જૂનાગઢ, તા.૧૫
માળિયા હાટીનાના જુથળ-રામવાવનાં પાટિયા પાસે બેફામ દોડી આવતી કારે બાઈકને અડફેટે લેતા પુત્રની નજર સામે જ માતાનું મોત થયું હતું. માધુપુર નજીકનાં મંડેર ગામે રહેતાં પ્રભાતપુરી ગોસ્વામી, તેમનો પુત્ર તુષાર અને પત્ની અસ્મિતાબેન બાઈક લઈને જેતપુર-સોમનાથ ફોર ટ્રેક ઉપર જઈ રહ્યા હતા. એ સમયે જુથળ-રામવાવનાં પાટિયા પાસે બેફામ દોડી આવતી કાર નં. જી.જે.૦૧ આરબી-૩ર૦૧ના ચાલકે પ્રભાતપુરીના બાઈકને અડફેટે લેતા ત્રણેય રોડ ઉપર ફંગોળાઈ ગયા હતા અને અસ્મિતાબેનને ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું. જ્યારે પિતા-પુત્રને ઈજાઓ પહોંચતા ૧૦૮ દ્વારા કેશોદ સારવાર અર્થે ખસેડાયાં હતા. બાદમાં વધુ સારવાર અર્થે જૂનાગઢ રીફર કરાયા હતાં. માળિયા પોલીસે કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.