(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૮
શહેરના ડિંડોલી વિસ્તારમાં રહેતી અને શ્રમજીવી પરિવારની પાંચ વર્ષની માસુમ બાળકી સાથેના બળાત્કાર કેસમાં આજે ગુનાવાળી જગ્યાની વીડિયોગ્રાફી કરાઈ હતી. તેના પંચોની જુબાની લેવામાં આવી રહી હોવાનું ડીજીપી નયન સુખડવાળાએ જણાવ્યું હતું. આ કેસની ડે-ટુ-ડે ટ્રાયલ ચલાવવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ડિંડોલી વિસ્તારમાં ગત મહિનાઓમાં રોશન નામના આરોપીએ પાંચ વર્ષની માસુમ બાળકાનું અપહરણ કરી ઝાડી ઝાંખરામાં લઈ જઈ બળાત્કાર ગુજારી ફરાર થઇ ગયો હતો. ડિંડોલી પોલીસે આઈપીસી ૩૬૩ તથા ૩૭૬ મુજબનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી અને તપાસ દરમિયાન પોલીસે રોશનની ધરપકડ કરી લાજપોર જેલમાં મોકલી આપ્યો હતો. આ કેસમાં આરોપી સામે ચાર્જશીટ રજૂ કરાઈ હતી. ચાર્જફ્રેમ થયા બાદ આરોપી સામે ઈન્સાફી કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. ડે-ટુ-ડેની ટ્રાયલમાં ગતરોજ છ પંચોને રજૂ કર્યા હતા. જેમાં ત્રણ પંચોની સર તપાસ પણ લેવામાં આવી હતી. આ ત્રણેય પંચોએ ફરિયાદના સમર્થનમાં જુબાની આપી હતી. આજે વધુ ચાર પંચોની સર તપાસ શરૂ કરવામાં આવી હોવાનું ડીજીપી નયન સુખડવાળાએ જણાવ્યું હતું. કેસની ટ્રાયલ ઈન કેમેરામાં ચાલી રહી હોવાનું જાણવા મળે છે.