(એજન્સી) નવી દિલ્હી, તા. ર૧
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં ૮ વર્ષીય કિશોરીના ગેંગરેપ અને હત્યા મામલે વિશ્વભરમાં લોકોમાં રોષ ભડક્યો હતો. કિશોરી સાથે દુષ્કર્મ અને ક્રૂરતાપૂર્વક હત્યાની માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વમાં પણ દેખાવો અને ટીકાઓ થઈ. ચારેતરફથી વરસી રહેલ ટીકાઓથી દેશને શરમજનક સ્થિતિમાં મુકાવું પડ્યું છે. દેશમાં બાળકીઓ પર થઈ રહેલ અપરાધ પર પોતાની પ્રતિક્રિયા આપતા ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને પ્રખ્યાત અભિનેત્રી હેમા માલિનીએ કહ્યું કે, હાલમાં આ મુદ્દે વધુ પબ્લિસિટી કરવામાં આવી રહી છે. અગાઉ પણ કદાચ આવું બન્યું હશે પરંતુ કોઈને તેની જાણકારી નહીં હોય પરંતુ એના પર ધ્યાન અપાવવું જોઈએ. અહેવાલ મુજબ બીજેપી સાંસદ હેમા માલિનીએ જણાવ્યું કે આજકાલ આ બનાવની વધુ પબ્લિસિટી કરવામાં આવી રહી છે. અગાઉ પણ આવા બનાવો બન્યા હશે પણ કોઈની જાણકારીમાં આવ્યા નહીં હોય. તેમણે કહ્યું કે ભવિષ્યમાં આવા બનાવો ન બને તેના પર ધ્યાન આપવામાં આવશે. આવા બનાવોથી દેશનું નામ ખરાબ થઈ રહ્યું છે.