(એજન્સી) તા.૨૦
જાતે બની બેઠેલા ડો.બિશ્વરુપ રોય ચૌધરીએ સોશિયલ મીડિયા પર માસ્ક વિરોધી એક ગ્રુપનો વીડિયો શેર કર્યો છે જેમાં યુવાનોનું આ ગ્રુપ લોકોને માસ્કનો બહિષ્કાર કરવા અપીલ કરી રહ્યા છે કારણ કે તેમના દાવા મુજબ માસ્ક માનવ શરીરમાં નોવેલ કોરોના વાયરસને પ્રવેશતા અટકાવતાં નથી. ચૌધરીએ ૧૭, ઓગસ્ટના રોજ ટ્‌વીટર પર આ વીડિયોે શેર કર્યો હતો પરંતુ ટ્‌વીટર આ વીડિયોને હટાવે ત્યાં સુધીમાં ૬૧૭૦૦૦ લોકોએ આ વીડિયો જોઇ લીધો હતો. આ વીડિયો યુટ્યૂબ ચેનલ પર ઉપલબ્ધ છે. ૧૬, ઓગસ્ટના રોજ આ વીડિયો યુટ્યૂબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં ચાર પુરુષો અને એક મહિલા દેખાય છે. આ ગ્રુપ કહે છે કે માસ્ક એ ગુલામી અને શરણાગતિનું પ્રતિક છે. તેમણે માસ્કની અસરકારકતાના દાવાને પડકાર્યો છે અને જણાવે છે કે માસ્ક અંગે ખોટી માહિતી અને ગેરસમજ ફેલાવવામાં આવી રહી છે. આ ગ્રુપનો એવો દાવો છે કે માસ્ક પહેરવાથી સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડે છે અને કોઇ પણ ડોક્ટરને પૂછશો તો કહેશે કે માસ્કથી કોઇ પણ પ્રકારનું રક્ષણ મળતું નથી. તેમણે માસ્કસે આઝાદી માટે લોકોને હાકલ કરી છે. આજે માસ્ક ફરજીયાત છે, કાલે વેક્સિન ફરજીયાત કરશે. ડિજીટલ આઇડી ફરજીયાત કરશે અને આમ ફરજીયાત બાબતોની યાદી લાંબી થતી રહેશે. આપણે આ બધાને ફરજીયાત થતાં અટકાવવાની જરુર છે. સ્વાસ્થ્ય અને સુરક્ષાની ભ્રમણા હેઠળ તમે તમારી આઝાદી અને અધિકારો છોડી શકો નહીં એવું વીડિયોમાં જણાય છે. વીડિયોના અંતમાં માસ્ક વિરોધી જૂથોના સભ્યો તેમના માસ્કને સળગાવી મૂકે છે. પ્રથમ વખત ચૌધરીએ આ પ્રકારનો વીડિયો શેર કર્યો છે. તેમની યુટ્યૂબ ચેનલ પર ‘કોરોના વોરીયર : માસ્કકી હોલી’ના નામે શેર કરવામાં આવેલ વીડિયોમાં એક વ્યક્તિ જણાવે છે કે જ્યારથી કોવિડ-૧૯ મહામારી ફેલાઇ છે ત્યારથી તેણે ક્યારેય કોઇ માસ્ક પહેર્યો નથી કે સેનિટાઇઝરનો ઉપયોગ કર્યો નથી. હું માત્ર પોલીસથી બચવા માસ્ક પહેરું છું એવું વીડિયોમાં તે જણાવે છે. આજે અમે માસ્કનો વિરોધ કરીશું અને તમામ માસ્કની હોળી કરીશું. અમે હવે સરકાર સામે ચળવળ શરૂ કરી રહ્યાં છીએ અને માસ્કના મામલે સરકાર સામે બળવો પોકારીશું. તેઓ માસ્ક પહેરાવીને અમારા મોં બંધ કરવા માગે છે. અમે ૧૫, ઓગસ્ટથી માસ્ક જલવા અભિયાન શરૂ કર્યુ છે.