અમદાવાદ, તા. ૬
કોરોના કહેર વચ્ચે રાજ્ય સરકાર દ્વારા ઘરની બહાર નીકળતા તમામ વ્યક્તિએ માસ્ક પહેરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી જો કોઈ આ નિયમનું ઉલ્લંઘન કરે તો તેની પાસેથી દંડ વસૂલવાની સત્તા સરકાર દ્વારા પોલીસને પણ આપવામાં આવી છે. જેથી પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન જેવી કોઈ આવી વ્યક્તિ મળી આવે તો તેની પાસેથી રૂપિયા ૨૦૦નો દંડ વસૂલવામાં આવે છે. આ દરમિયાન અમદાવાદમાં એક વ્યક્તિએ માસ્ક ન પહેરવા બદલ કાર રોકતા પોલીસને મરી જવાની ચીમકી આપી હતી. રવિવારે બપોરના સમયે વેજલપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ જીવરાજ પાર્ક પાસે ફરજ પર હતો તે દરમિયાન કાર લઈને એક ચાલક નીકળ્યો હતો. કાર ચાલક અને તેની બાજુની સીટમાં બેઠેલી મહિલા તેમજ બાળકે માસ્ક પહેર્યુ ન હોવાથી પોલીસ ગાડી અટકાવી હતી અને દંડ ભરવા માટે કહ્યું હતું. પોલીસે દંડ ભરવાનું કહેતા જ કારચાલક ઉશ્કેરાઈ ગયો હતો અને કહેવા લાગ્યો હતો કે ’તમે પોલીસ અમને ખોટી રીતે હેરાન કરો છો, તમારા ત્રાસથી અમે હેરાન થઈ ગયા છીએ. આવી રીતે હેરાન થઈને જીવવું એના કરતાં તો મરી જવું સારું, હવે તો કંટાળ્યા છીએ મરી જવું છે.’
આમ કહેતા પોલીસે તેની વિરુદ્ધ ફરજમાં અડચણરૂપ બનવાની ફરિયાદ દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. કારચાલકનું નામ હાર્દિક શાહ હોવાનું તેમજ તેઓ મણિનગરના નિવાસી હોવાનું જાણવા મળ્યું છે.