અમદાવાદમાં નકલી પોલીસે માસ્કના નામે યુવકને રોકીને રૂા.૧૦ હજાર લૂંટી લીધા

અમદાવાદ, તા.૧પ

કોરોના મહામારીને લઈને માસ્ક પહેરવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે ત્યારે માસ્ક નહીં પહેરનારાને રૂા.૧ હજારનો દંડ ફટકારવાનો નિયમ છે ત્યારે જો તમે પણ માસ્ક પહેર્યા વગર ઘરની બહાર નીકળશો તો અસલી અને નકલી પોલીસથી ચેતજો. જો નકલી પોલીસ ભટકાઈ તો દંડ ભરવાના બદલે તમે લૂંટાઈ શકો છો. હા વાંચીને તમને નવાઈ લાગી હશે પણ આવું જ કંઈક અમદાવાદના એક યુવક સાથે થયું. માસ્ક પહેર્યા વગર નીકળેલા એક યુવકને નકલી પોલીસે આવીને ધમકાવ્યો અને તેના ખિસ્સામાંથી રૂા.૧૦ હજાર લૂંટીને ફરાર થઈ ગયો હતો. જે અંગે યુવકે પોલીસ ફરિયાદ નોંધાવતા અસલી પોલીસે નકલી પોલીસને પકડવા તજવીજ હાથ ધરી છે.

વિગતવાર વાત કરીએ તો મૂળ મધ્યપ્રદેશના અને હાલ નરોડા જીઆઇડીસીમાં કામ કરતા વિનોદ કુમાર કોરગુ તેમની જીઆઇડીસી ખાતેની નોકરીમાંથી પગાર લઈ નીકળ્યા હતા. પગારના આ નાણાં તેમણે વતનમાં મોકલવાના હોવાથી તેમના અન્ય સાથી કર્મીઓ સાથે નરોડા ગેલેક્સી સિનેમાની સામે આવેલી બેંકમાં જમા કરાવવા જતા હતા. ત્યારે નરોડા જીઆઇડીસી ગેટ નંબર ૧ પાસે ચાલતા જતા હતા ત્યારે બાઇક ઉપર એક શખ્સ આવ્યો હતો. તેણે બાઈક ઉભી રાખી કહ્યું કે તે પોલીસમાં છે માસ્ક કેમ પહેર્યું નથી? તેમ કહી ડરાવી ધમકાવી વિનોદ કુમારના શર્ટના ખીસ્સામાં મૂકેલા રૂા. ૧૦,૦૦૦ એકદમ હાથ નાખી લૂંટી લીધા હતા.

બાદમાં તે શખ્સ બાઈક લઈ નરોડાથી ભાગી ગયો હતો. વિનોદભાઈ અને તેની સાથેના લોકોએ બૂમાબૂમ કરી હતી પરંતુ આ શખ્સ ફુલ સ્પીડ બાઇક લઈ ત્યાંથી ભાગી ગયો હતો. બાદમાં પોલીસને જાણ કરતા નરોડા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.