અમદાવાદ,તા.ર૩
સરકારી અને ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓની સલામતી અંગે પ્રાથમિક શિક્ષણ વિભાગે કોઈ જ કાર્યવાહી ન કરતાં માહિતી કમિશનરે જવાબદાર અધિકારીઓ સામે ખાતાકિય તપાસનો આદેશ કર્યો છે.
સાવરકુંડલાના આરટીઆઈ કાર્યકર દિપેશ જોશીએ ગુજરાતની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓની સલામતી સંબંધે મેન્ડેટરી સેફ્ટી ઓડિટ ઈન એવરી સ્કૂલ બાબતે મુખ્યમંત્રી સમક્ષ શાળાના સ્ટાફ બીન સ્ટાફનું બેક ગ્રાઉન્ડ વેરીફિકેશન, તમામ શાળામાં સીસીટીવી કેમેરા ગોઠવવા, શાળામાં સ્વીમીંગપુલ, બસ, વોશરૂમ, પાણીની ટાંકી વગેરે સ્થળે શાળા તરફથી પુરૂષ-સ્ત્રીની સહાયતા પુરી પાડવા વોશરૂમના ઉપયોગ અથવા શાળાની જગ્યાઓમાં તત્કાલ સહાયતા માટે પ્રિન્સીપાલ અને સંબંધિત શિક્ષક પાસે એલાર્મની વ્યવસ્થા, શારીરિક છેડછાડ અંગે બાળકોને શિક્ષણમાં આપવા અંગે અને તે સંબંધિત ત્વરીત શાળાના જવાબદાર વ્યક્તિને નિઃસંકોચ જાણ કરવા માટે વ્યવસ્થા ગોઠવવા માટેનોન ટીચિંગ સ્ટાફનો શાળા સ્કૂલમાં પ્રવેશ, બસ સલામતી માટે સેફ્ટી કો. ઓર્ડિનેટર/મેનેજરને જવાબદાર બનાવવા, વાલીઓને સાથે રાખીને શાળામાં સેફ્ટી કાઉન્સિલ રચના સહિતના મુદ્દાઓ અંગે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆતો કરી હતી, જે રજૂઆતોને પ્રાથમિક શિક્ષણ વિભાગમાં તબદિલ કરાઈ હતી, પરંતુ પ્રાથમિક શિક્ષણ વિભાગે કોઈ કાર્યવાહી ન કરતા માહિતી કમિશનરે જવાબદાર અધિકારીઓ સાથે ખાતાકીય તપાસનો આદેશ કર્યો છે.