અમદાવાદ, તા.ર૭
ગરીબ દર્દીઓને વિનામૂલ્યે સારવાર મળે તે માટે મા કાર્ડ હોવા છતાંય ખાનગી હોસ્પિટલો નાણાં પડાવે છે. સરકાર એકબાજુ મા કાર્ડ આપી વાહવાહી લૂંટવાનો પ્રયત્ન કરે છે પરંતુ ખાનગી હોસ્પિટલો ગરીબ દર્દીઓ પાસેથી નાણાં પડાવી મનમાની કરે છે ત્યારે આવું કરતી હોસ્પિટલો સામે કડક પગલાં ભરવા અમદાવાદ શહેરના દરિયાપુર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે માગણી કરી છે.
ગ્યાસુદ્દીન શેખે પૂછેલા પ્રશ્નના જવાબમાં આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે, અમદાવાદ શહેરની શેલ્બી હોસ્પિટલ, સ્ટર્લિંગ હોસ્પિટલ, નારાયણા મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ, સ્વયંભુ હોસ્પિટલ, સેન્ટ્રલ યુનાઈટેડ હોસ્પિટલ, આયાત મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલોએ મા કાર્ડ હોવા છતાંય ગરીબ દર્દીઓ પાસેથી નાણાં લીધા હતા આમ ખાનગી હોસ્પિટલોને ગરીબ દર્દીઓની સેવા-સારવાર કરવાને બદલે નાણાં કમાવવામાં રસ છે એમ જણાવી ધારાસભ્ય શેખે ઉમેર્યું કે, રાજ્યની ભાજપ સરકાર ગુજરાત રાજ્ય આરોગ્ય ક્ષેત્રમાં હરણફાળ ભરી રહ્યું છે તેવી ડીંગો હાંકે છે ત્યારે રાજ્ય આરોગ્ય વિભાગે જ ગૃહમાં આંકડા રજૂ કર્યા છે તે મુજબ, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સંવર્ગવાર મંજુર મહેકમ પૈકી ૭૬૫ જગ્યાઓ, યુ.એન.મહેતા હાર્ટ ઈન્સ્ટીટયુટમાં ૨,૫૧૩ જગ્યાઓ અને કેન્સર હોસ્પિટલમાં ૧૫૮ જગ્યાઓ, કીડની રીસર્ચ ઈન્સ્ટીટયુટમાં ૮૭ જગ્યાઓ ખાલી છે. હાર્ટ, કેન્સર, કીડની જેવી ગંભીર બિમારીઓમાં સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરોની અછતને કારણે દર્દીઓને ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે. એશિયાની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની અછત હોય ત્યારે આખાય રાજ્યમાંથી આવતા દર્દીઓને પરેશાન થવું પડે છે. આથી, આવા ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓના હિતમાં સરકારે ડોક્ટરોની તાકીદે ભરતી કરવી જોઈએ.