(સંવાદદાતા દ્વારા) વલસાડ, તા.૧૮
વલસાડ રેલવે સ્ટેશન પર છેલ્લા કેટલાક સમયથી આરપીએફની કોઇપણ નિર્દોષ માણસને મારમારવાની ઘટના સામાન્ય બની છે. આવી જ એક ઘટના બે દિવસ પહેલાં બની હતી. જેમાં યુપીવાસી મિત્રને સ્ટેશન પર મુકવા આવેલા હોટેલમાં કામ કરતા એક શખ્શને વિના વાંકે આરપીએફ પીએસઆઇએ કાનમાં તમાચા મારતાં તેનો કાનનો પડદો ફાટી ગયો હતો.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ વલસાડ મોગરાવાડી ગરાસિયા કોલોનીમાં એક રૂમમાં ભાડે રહેતો સનોજકુમાર ભુરા સોનકર હોટેલમાં કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. સનોજકુમાર રવિવારે પોતાના એક સંબંધીને સ્ટેશન પર મુકવા ગયો હતો. ત્યારબાદ તે સ્ટેશન બહાર ફોન પર વાત કરી રહ્યો હતો. જેને આરપીએફ પીએસઆઇ શર્માએ બોલાવ્યો હતો. પીએસઆઇની બૂમ ન સાંભળતા આરપીએફ કોન્સ્ટેબલ ચંદ્રભાન તેની પાસે આવ્યો અને વિના વાંકે તેને તમાચા ઠોકી દીધા હતા. ત્યારબાદ ચંદ્રભાન તેને પીએસઆઇ શર્મા પાસે લઇ ગયો હતો. જ્યાં પીએસઆઇએ તેને અહીં શું કરે છે ! એવું પુછી જવાબ સાંભળ્યા વિના તેને મારમારવાનું શરુ કર્યું હતુ. શર્માએ તેને બંને કાન પર એક સાથે તમાચા મારતાં સનોજ કુમરાને દુખાવો ઉપડ્યો હતો. જેના પગલે બીજા દિવસે સનોજકુમાર સિવિલમાં સારવાર લેવા પહોંચતા તેના કાનનો પડદો જ ફાટી ગયો હોવાનું જાણવા મળ્યું હતુ. જેને લઇ સનોજ કુમારે આરપીએફના પીએસઆઇ શર્મા અને હેડ કોન્સ્ટેબલ ચંદ્રભાન વિરૂદ્ધ વલસાડ રેલવે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ લઇ રેલવે પોલીસે પીએસઆઇ અને હેડકોન્સ્ટેબલ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો. જેની તપાસ પીએસઆઇ ગજુભાઇ પટેલે હાથ ધરી છે.
આ બનાવ સંદર્ભે રેલવે પોલીસે ફરિયાદ નોંધાવાની કાર્યવાહી હાથ ધરતાં આરપીએફ પીઆઈ સહિતનો મોટો સ્ટાફ રેલવે સ્ટેશને ધસી આવ્યો હતો. તેમણે આ ફરિયાદ ન નોંધાય તેના બનતા પ્રયાસો હાથ ધર્યા હતા. આ ઘટનાને લઈ સમગ્ર રેલવે સંંકુલમાં ભારે ચકચાર મચી ગઈ હતી.