(એજન્સી) તા.ર૯
તાજમહેલના શહેર આગ્રાના કાવ્યપ્રેમીઓ અને સાહિત્યકારોએ આ રવિવારે ઉર્દૂ સાહિત્યના ઉચ્ચ કવિ મિર્ઝા ગાલિબને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પી હતી, જો કે કોવિડ-૧૯ રોગચાળાને લીધે કોઈ મોટા કાર્યક્રમો આયોજિત થઈ શક્યા ન હતા. રવિવારે ઉત્તમ ઉર્દૂ કવિ મિર્ઝા ગાલિબનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો અને તેઓને ભારત રત્ન એવોર્ડ આપવા અને તેમના માટે આ શહેરના ઉત્તમ સ્મારક ઊભા કરવાની માંગ કરતા અહીંના સાહિત્યપ્રેમી લોકોએ જૂથ ચર્ચાઓમાં ભાગ લીધો હતો અને આ પ્રસંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની હાજરીની અનુભૂતિ કરી હતી.
મિર્ઝા અસદુલ્લાહ ખાન ‘ગાલિબ’નો જન્મ ૧૭૯૭માં આગ્રાના કલાન મહેલ વિસ્તારમાં થયો હતો. એ પછી તેઓ દિલ્હી ગયા હતા જ્યાં તેમની કાવ્યાત્મક પ્રતિભા આગળ વધી હતી અને તેઓને એક નવી અભિવ્યક્તિ મળી હતી. ઉર્દૂ ‘અદબ’ માટે તેમનું સમૃદ્ધ યોગદાન કવિઓ માટે પ્રેરણારૂપ બની ગયું છે.
કવિતા પ્રેમી સુધીર ગુપ્તાએ જણાવ્યું હતું કે “જો મિર્ઝા ગાલિબ, મિર તકી મિર અને નઝીર અકબરબાદી આ બધા કવિઓ તાજમહેલના શહેરના છે, જો તમે તેઓને બાદ કરી નાખો તો ઉર્દૂ સાહિત્યમાં શું બચશે ? કમનસીબે, અમુક અવગણનાને લીધે, ઉર્દૂ ભાષા અને કવિતા બંને ભોગ બન્યા છે અને સર્જનાત્મકતાની દ્રષ્ટિએ આગ્રા એ તેમનું વર્ચુઅલ વેસ્ટલેન્ડ છે.”
જો બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઉર્દૂ જેવી ભાષા આવી ન હોત તો રોમાંસની ભાષા અને ‘તહેઝિબ’ આજ સુધી લુપ્ત થઈ ગઈ હોત, એવું સંસ્કૃતિના વિવેચક મહેશ ધાકરે જણાવ્યું હતું. આ પહેલાં પણ આ શહેરમાં વ્યસ્ત માર્ગના ક્રોસિંગ અથવા પાર્કનું નામ આ મહાન કવિ ગાલિબના નામ સાથે રાખવાના ભૂતકાળમાં ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા છે. ગાલિબને તેમના જન્મસ્થળમાં એક સ્મારક ઊભું કરવાની માંગ પણ કરવામાં આવી છે, પરંતુ કોઈ પણ સરકાર દ્વારા હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ભારતના ઘણા અન્ય ભાગો અને એનઆરઆઈ પ્રવાસીઓ આવા કવિઓના જન્મસ્થળોએ તેમના પૂર્વજોની હવલી જોવા આવે છે જ્યાં ૧૭૯૭માં ઉર્દૂ કવિતાના આ ઉચ્ચ કવિનો જન્મ થયો હતો. વર્ષોથી, મિર્ઝા ગાલિબના ચાહકો અને તાજ શહેરના સાહિત્યિક નિષ્ણાતો આ મહાન કવિ માટે યોગ્ય સ્મારકની માંગ કરી રહ્યા છે, પરંતુ ત્યાં સત્તાવાર લોકો તરફથી માત્ર ખાતરીઓ અને વચનો અને આશ્વાસનો જ આપવામાં આવ્યા છે. ભગવાન ટોકીઝ ક્રોસિંગને મિર્ઝા ગાલિબ સર્કલ તરીકે નામ આપવાના ઠરાવ પર મ્યુનિસિપલ કોર્પોરેશન હજુ પણ વિચાર કરી રહી છે. ઉર્દૂ સાહિત્યને પ્રોત્સાહન આપવા માટે આગ્રા યુનિવર્સિટીમાં મિર્ઝા ગાલિબનું એક સ્મારક સ્થાપવાની દરખાસ્ત પણ ધૂળ ખાય રહી છે. તેવી જ રીતે ગાલિબનો જન્મ જ્યાં થયો હતો તે શહેરના કલામહલ વિસ્તારમાં આવેલી હવેલીને મુલાયમસિંહ યાદવ મુખ્યપ્રધાન હતા ત્યારે ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા હસ્તગત કરવામાં આવી હતી, પરંતુ વર્તમાનમાં કોઈ પણ તે વિશે વાત કરતું નથી. બ્રજ હેરિટેજ કન્ઝર્વેશન સોસાયટીના અધ્યક્ષ સુરેન્દ્ર શર્માએ શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું કહ્યું હતું કે “ગાલિબના જન્મ સ્થળ એવા તેમના ઘરને આ કવિના માનમાં રાષ્ટ્રીય સ્મારકમાં ફેરવવો જોઈએ, જેમનું યોગદાન ઉર્દૂ માટે ખૂબ જ ઉચ્ચ રહ્યું છે” શર્માએ જણાવ્યું હતું કે, દુર્ભાગ્યવશ વર્ષોથી અમારી સતત માંગણીઓ છતાં આ શહેર મિર, નઝીર અને ગાલિબ જેવા કવિઓના યોગ્ય સ્મારક માટે તૈયાર નથી, આ ત્રણેય લોકો તાજમહેલના શહેર આગ્રા સાથે જોડાયેલા હતા. કેટલાક સાહિત્યિક વિવેચકોએ પણ ઉર્દૂ સાહિત્યના આ કવિઓની અવગણના કરવા બદલ શોક વ્યક્ત કર્યો હતો. જોકે, બોલીવૂડમાં ઉર્દૂ કવિતાને આડકતરી રીતે આ ભાષા પ્રત્યેની રૂચિ ફરી મેળવવામાં મદદ મળી છે.
(સૌ. : મુસ્લિમ મિરર.કોમ)
Recent Comments