ભાવનગર,તા.૭
ભાવનગર શહેરના ગંગાજળિયા તળાવ નજીક આવેલા પથિકાશ્રમ પાસે ગત મોડી રાત્રે એક જ સમાજના બે જૂથ વચ્ચે થયેલી મારમારીનો બનાવ હત્યામાં પરિણમ્યો હતો એક યુવાનને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર અર્થે ભાવનગર શહેરની સર.ટી.હોસ્પિટલમાં ખસેડાયેલ જયાં સારવાર દરમ્યાન આજે બપોરે ૧ વાગ્યાના સુમારે આ યુવાનનું મોત નીપજતા આ બનાવ હત્યામાં પરિણમ્યો છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અને આરોપીઓને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
ભાવનગર શહેરના મામાકોઠા રોડ કાજીવાડના નાકા પાસે સોડા અને કોલસાની દુકાન ધરાવતા મેમણ યુનુસભાઈ સીદ્દીકભાઈ મોદીની સગી બહેનનું બે દિવસ પૂર્વે દુઃખદ અવસાન થતા તેની મજિયારી મિલકત બાબતે પીયરપક્ષ અને સાસરિયાપક્ષ વચ્ચે ગત મોડી રાત્રે બોલાચાલી અને લડાઈ ઝઘડો થયો હતો. જેમાં યુનુસ સીદ્દીકભાઈ મોદી મેમણ ઉપર શહેરના પથીકાશ્રમ પસે લડાઈ ઝઘડો થયો હતો. આ મજિયારી મિલકત બાબતે અરસન ઉર્ફે ભોલુ સલીમભાઈ લાખાણી, સરફરાજ ઉર્ફે સકુ ફારૂકભાઈ લાખાણી, સહિત ૧૧ જેટલા શખ્સોએ એકસંપ કરી લાકડી, ધોકા, પાઈપ વડે હુમલો કરતા યુનુસભાઈને ગંભીર ઈજા પહોંચતા અને યુનુસભાઈને ગળા સહિતના ભાગે છરીના ઘા ઝીંકી દેતા તેમને ગંભીર હાલતે સર.ટી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયેલ સારવાર દરમ્યાન આજે બપોરે યુનુસભાઈનું સારવાર દરમ્યાન મોત નીપજતા આ હત્યામાં પરિણમ્યો હતો. બનાવની જાણ થતા સ્થાનિક ગંગાજળિયા પોલીસ એલસીબી, એસઓજી, સહિતનો પોલીસ કાફલો ગત રાત્રે ઘટના સ્થળે દોડી ગયો હતો અને બનાવની તપાસ હાથ ધરી હતી. આ બનાવ અંગે મૃતકના ભાણેજ સલમાન અફજલભાઈએ ગંગાજળિયા પોલીસ મથકમાં ઉકત ૧૧ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યા સહિતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.