જો મોદીએ સામાજિક સદ્દભાવના અને ભારતના અર્થતંત્રને મજબૂત બનાવવાનું કામ કર્યું હોત તો ચીનની આપણી જમીન પર ઘૂસણખોરી કરવાની હિંમત ન થતી : કોંગ્રેસના નેતા

(એજન્સી) નવી દિલ્હી, તા.૨૫
ચીન સાથે ચાલી રહેલા વિવાદ અંગે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલે આરોપ લગાવ્યો હતો કે, કેન્દ્ર સરકાર રાષ્ટ્રને કમજોર કરનારી નીતિઓ લાગુ કરી રહી છે. જેના પગલે ચીનને ભારતની જમીન કબ્જે કરવાનો અને ભારતની ધરતી પર ધૂસણખોરી કરવાની તક મળી ગઈ છે. રાહુલે ટ્‌વીટ કરી જણાવ્યું હતું કે, ચીન ભારતીય જમીનમાં પોતાની હાજરીનો વ્યાપ વધારી રહ્યું છે. ‘મિસ્ટર ૫૬’એ મહિનાઓ થવા છતાં હજુ ચીનનું નામ લીધું નથી. તેઓ ઓછામાં ઓછું ચીન શબ્દ પ્રયોગ કરી આ અંગે શરૂઆત કરી શકે છે. કોંગ્રેસના નેતાએ તમિલનાડુની એક સભાનો વીડિયો પણ વાયરલ કર્યો હતો. જેમાં તેઓ લઘુ અને મધ્યમ વ્યવસાયીઓ સાથે વાત કરી રહ્યાં છે. આ સભામાં તેમણે ચીન સાથેના વિવાદના ઉકેલ અંગે સૂચનો કર્યા હતા. મજબૂત અર્થતંત્ર, રોજગારી અને સામાજિક સદ્‌ભાવના ભારતને મજબૂત રાખનારા પરિબળો છે. મિસ્ટર મોદીએ પોતાના ધનિક મિત્રોની મદદ કરવાના બદલે ખેડૂતો, મજદૂરો અને અન્ય ક્ષેત્રના લોકોને મદદ કરી હોત તો ચીન પાસે એટલી હિંમત ન આવતી કે, તે આપણી જમીન પર ધૂસણખોરી કરી શકત. રાહુલનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે સિક્કિમમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે નજીવી અથડામણ થયાના અહેવાલો સામે આવ્યા છે. સેનાએ જણાવ્યું હતું કે, આ અથડામણ ગત સપ્તાહે થઈ હતી. અત્રે ઉલ્લેેખનિય છે કે, સીમા વિવાદ અંગે બન્ને દેશો વચ્ચે રવિવારે જ વાતચીત થઈ હતી. આ મંત્રણા ૧૫ કલાક સુધી ચાલી હતી. પણ આ બેઠક દરમ્યાન શું ચર્ચા થઈ તે અંગે કોઈ વિગત જાણી શકાઈ નથી.