જામનગર, તા.ર૩
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુરથી ઓખા વચ્ચે આવેલી મુળવેલ ચોકડી નજીકથી આજે વહેલી સવારે ઓખા પોલીસે રાજસ્થાન પાસીંગના ટ્રકમાં લઈ જવાતી અંગ્રેજી શરાબની ૩૦૮ પેટી મીઠાપુર પોલીસને સોંપવામાં આવી છે. શરાબના આ જથ્થાવાળી આ ટ્રક મુકી તેનો ડ્રાઈવર પલાયન થઈ ગયો છે. શરાબના રીસીવર તથા સપ્લાયરના નામ શોધવા માટે પોલીસે જહેમત શરૃ કરી છે. ૩૬૦૦ ઉપરાંતની બોટલો, ટ્રક કબ્જે લેવામાં આવ્યો છે.દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર નજીકની મુડવેલ ચોકડી પાસે આજે સવારે ઓખા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલીંગમાં બંધ બોડીનો એક મોટો ટ્રક પસાર થતો જોવા મળ્યો હતો. આ ટ્રકને પોલીસે શકના આધારે રોકાવી તેની તલાસી લેતા રાજસ્થાન પાસીંગના આ ટ્રકમાંથી અંગ્રેજી શરાબ ભરેલી ૩૦૮ પેટી મળી આવી હતી. અંદાજે ૩૬૯૬ અંગ્રેજી શરાબની બોટલનો આ જથ્થો પોલીસે કબજે કર્યો હતો. પોલીસના આ ટ્રકને રોકવાના ઈસારાના પગલે તે ટ્રકનો ડ્રાયવર ટ્રક ઉભી રાખી ઉતરીને પલાયન થઈ ગયો હતો.