(એજન્સી) નવી દિલ્હી તા.૨૮
સુપ્રીમ કોર્ટે બુધવારે દિલ્હીની નિઝામુદ્દીનમાં તબ્લીગી જમાતના સંમેલનને કોમવાદી રંગ આપવા માટે મીડિયા સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરતી અરજીમાં કેન્દ્રનો જવાબ માંગ્યો હતો.
મુખ્ય ન્યાયાધીશ એસ.એ.બોબડે, ન્યાયાધીશ એ.એસ. બોપન્ના અને ઋષિકેશ રોયની બેન્ચે ન્યુઝ બ્રોડકાસ્ટર્સ એસોસિએશન (એનબીએ) તેમજ વધારાના સોલિસીટર જનરલ કે.એમ. નટરાજને સોગંદનામું દાખલ કરી જવાબ માંગ્યો હતો કે એમની સામે કેબલ ટેલિવિઝન નેટવર્ક (રેગ્યુલેશન) એક્ટ, ૧૯૯૫ની કલમ ૧૯ અને ૨૦ હેઠળ પગલાં કેમ નહીં લેવા જોઈએ ?
“લોકોને કાયદો અને વ્યવસ્થાના મુદ્દાઓ ઉશ્કેરવા ન દો, આ તે બાબતો છે જે પછીથી કાયદો અને વ્યવસ્થાના મુદ્દાઓ બની જાય છે” સીજેઆઈ એસ.એ. બોબડેએ કેન્દ્ર તરફથી જવાબ માંગતી વખતે જણાવ્યું હતું.
સુપ્રીમ કોર્ટે એક સાથે મળીને સામાન્ય દાદ માંગતી ત્રણ અરજીઓની સુનાવણી હાથ ધરી હતી. જમિયત-ઉલેમા-એ-હિંદ તરફથી વરિષ્ઠ એડવોકેટ દુષ્યંત દવે હાજર થયા હતા જ્યારે ડી.જે. હલી ફેડરેશન મસ્જિદ મદારિસ અને વકફ સંસ્થાની તરફે એડવોકેટ અદિલ અહેમદ હાજર થયા હતા.
વરિષ્ઠ એડવોકેટ દુષ્યંત દવેએ દલીલ કરી હતી કે “બનાવટી સમાચાર દેશના બિનસાંપ્રદાયિક તાણાવાણાને નુકસાન પહોંચાડે છે” અને સુપ્રીમ કોર્ટને તાકીદે પગલાં લેવા વિંનતી કરી હતી.
દવેએ મીડિયાના કથિત કોમવાદી અહેવાલો તરફ પણ કોર્ટનું ધ્યાન દોર્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આવી રિપોર્ટિંગ કાયદાનું ગંભીર ઉલ્લંઘન છે અને તેથી તત્કાળ પગલાં લેવાની જરૂર છે કારણ કે પહેલેથી જ પૂરતો સમય વીતી ગયો છે.
દવે : “આ પ્રસારણો વગેરે કાયદા હેઠળ ગુનાઓ બનાવે છે. સરકાર કેમ શાંત છે ?”
સીજેઆઈ : “અમે તમામ બાબતોને ગંભીરતાથી લઈએ છીએ. વારંવાર કહેશો નહીં કે આ બાબતોને ગંભીરતાથી લેશો.”
જમિયત ઉલેમા-એ-હિંદે સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરી હતી કે મીડિયાના કેટલાક વર્ગ “કોમવાદી હેડલાઇન્સ” અને “ધર્માંધ નિવેદનો”નો ઉપયોગ કરીને સમગ્ર મુસ્લિમ સમુદાયને ઇરાદાપૂર્વક દેશભરમાં કોરોના વાયરસ ફેલાવવા માટે દોષી ઠરાવવા માટે ઉપયોગ કરી રહ્યા છે. જેથી મુસ્લિમોના જીવનને જોખમમાં મૂક્યું છે.
અરજીમાં જણાવાયું છે કે પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક મીડિયા અને સોશિયલ મીડિયાના અમુક ભાગો દ્વારા કોવિડ-૧૯ રોગચાળો ફાટી નીકળ્યો હોવાની ઘટનાને સાંપ્રદાયિક રંગ આપવામાં આવી રહ્યો છે જેના કારણે હાલની અરજી દાખલ કરવાની જરૂર પડી છે. મુસ્લિમોને બદનામ કરી એમના ગૌરવ સાથે જીવવાના અધિકારનું પણ ઉલ્લંઘન કરાયું છે, જે અધિકાર બંધારણના આર્ટિકલ ૨૧ હેઠળ આપવામાં આવ્યું છે.”
એડવોકેટ એજાઝ મકબુલ દ્વારા દાખલ કરેલી અરજીમાં ભારપૂર્વક કહેવામાં આવ્યું છે કે સરકાર, ખાસ કરીને માહિતી અને પ્રસારણ મંત્રાલયે મુસ્લિમ સમુદાય માટે પૂર્વગ્રહયુક્ત શબ્દસમૂહોનો ઉપયોગ કરીને મીડિયાને તથ્યો તોડીમરોડી રજૂ કરવાની મંજૂરી આપી હતી. તેઓ ભારતના બંધારણની કલમ ૧૪ હેઠળ ભારતના તમામ લોકોને સમાન રક્ષણ આપવામાં નિષ્ફળ ગયું છે.
મીડિયામાં મરકઝના મુદ્દાને કોમવાદી રૂપ આપવા બાબતે સુપ્રીમ કોર્ટની કેન્દ્રને નોટિસ

Recent Comments