વેઇટ લિફ્ટિંગમાં પહેલીવાર સિલ્વર સાથે ભારતના ૨૧ વર્ષના દુકાળનો અંત, ૧૨૦ વર્ષમાં પ્રથમવાર ફર્સ્ટ ડે ફર્સ્ટ મેડલ
મીરાબાઇ ચાનુના ટોક્યો ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન અંગે એઆર રહેમાનથી લઇ મોહનલાલ સુધીની સેલિબ્રિટીઓની પ્રતિક્રિયા
પેડલર મણિકા બત્રાએ ટોક્યો ઓલિમ્પિકના પ્રથમ રાઉન્ડમાં જ રાષ્ટ્રીય કોચની મદદ લેવાનો ઇન્કાર કર્યો
(એજન્સી) ટોક્યો, તા. ૨૪
ટોક્યો ઓલિમ્પિકની વેઇટ લિફ્ટિંગમાં પ્રથમવાર ભારતને સિલ્વર મેડલ અપાવનારી ૨૬ વર્ષની ભારતની દિકરી મીરાબાઇ ચાનુને મનોરંજન સેલિબ્રિટિઝે સોશિયલ મીડિયા પર અભિનંદનનો વરસાદ કર્યો હતો. ઓસ્કાર જીતનારા સંગીતકાર એઆર રહેમાનથી લઇને દક્ષિણના લિજેન્ડ મોહનલાલ સુધી વેઇટ લિફ્ટિંગમાં મેડલ માટે ભારતના ૨૧ વર્ષના દુકાળનો અંત લાવવા બદલ મીરાબાઇની ભારોભાર પ્રશંસા કરી હતી. રહેમાને ટિ્વટર પર લખ્યું કે, મીરાબાઇ ચાનુને અભિનંદન, મોહનલાલે મીરાબાઇના ફોટા સાથે લખ્યું કે, ટોક્યો ઓલિમ્પિક ૨૦૨૦માં ભારતે પ્રથમ મેડલ જીતી લીધો છે. સિલ્વર જીતનારી મીરાબાઇ માટે ગર્વ છે. કોમેડિયન અને અભિનેતા કપિલ શર્માએ ટિ્વટમાં લખ્યું કે, મીરાબાઇ ચાનુ માટે ગર્વ છે. અભિનંદન. મીરાબાઇએ શનિવારે કુલ ૨૦૨ કિલોગ્રામ વજનમાં પહેલા ૮૭ અને પછી ૧૧૫ કિલો વજન ઉંચકીને ભારતને સિલ્વર મેડલ અપાવ્યો છે. ચીનની ઝીહુઇએ ૨૧૦ કિલો સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ઉલ્લેખનીય છે કે રિયો ઓલિમ્પિક બાદ ભારતને પ્રથમવાર આવી સફળતા મળી છે. જીત્યા બાદ મીરાબાઇએ કહ્યું કે, મારા માટે સાચે જ સપનું સાકાર થવા જેવું છે. હું આ મેડલને મારા દેશને સમર્પિત કરૂં છું અને મારા પ્રવાસ દરમિયાન તમામ ભારતીયોના કરોડો પ્રાર્થનાઓ માટે આભાર માનું છું. મીરાએ પ્રથમ દિવસે મેડલ જીતતા અન્ય ભારતીયોનો ઉત્સાહ પણ વધશે. આ દરમિયાન પેડલર મણિકા બત્રાએ ટોક્યો ઓલિમ્પિકની પ્રથમ રાઉન્ડની મેચમાં જ રાષ્ટ્રીય કોચની મદદ લેવાનો ઇન્કાર કરી દીધો હતો.
Recent Comments