મુંદરા, તા.૯
મુંદરા ગામ તથા આજુબાજુના લોકો પશુપાલન સાથે સંકળાયેલા છે. તેઓના મૂંગા ઢોરોના ખોરાક માટે ઘાસચારાનો મોટો પ્રશ્ન છે. અત્રે ઢોરોની સંખ્યાના પ્રમાણમાં ગૌચર ન હોઈ પશુઓને ચરાવવા ક્યાં લઈ જવા તે માલધારીઓનો મુખ્ય પ્રશ્ન છે. ત્યારે મુંદરા ગ્રામ પંચાયતે તેની ગત ગ્રામસભામાં ગામના પશુઓ માટે અદાણી ‘સેઝ’ પાસેથી ૩૦૦ એકર જમીન પરત મેળવવા ઠરાવ કરાયો છે.
આ અંગે તા.ર૪ એપ્રિલની ગ્રામ સભામાં અરજદારશ્રી ભરતભાઈ પાતારીયાની અરજી વંચાણમાં લેવામાં આવી. જે મુજબ મુંદરા ગામે પશુધનની વસ્તીના ધોરણે ગૌચર હોવું જરૂરી છે. જેની ચર્ચા અગાઉ સામાન્ય સભા તા.ર૬/૩/ર૦૧૮ના ઠરાવ નંબર :૧-પ-ર૦થી ગૌચર પરત મેળવવા માટે ઠરાવવામાં આવેલ છે. તેઓની રજૂઆત મુજબ ગામે ૧૦૦ ઢોર દીઠ ૪૦ એકર ગૌચર જમીન હોવી જરૂરી છે. ગામે હાલમાં ગૌચર ઉપલબ્ધ નથી. જેના કારણે ગામમાં ગાયો તથા આખલાઓના ત્રાસ વધે છે. ગામના લોકો પશુપાલનના વ્યવસાય ઉપર નિર્ભર છે. જેથી ગામના પશુઓ માટે ૩૦૦ (ત્રણસો) એકર જમીન અદાણી ‘એસઈઝડ’ પાસેથી પરત મેળવવી જરૂરી છે, જેથી ગૌચર પરત મેળવવા માટે સંબંધિત કચેરીમાંથી દરખાસ્ત કરવા સભામાં વિગતવાર ચર્ચા કરવામાં આવી અને ગૌચર પરત મેળવવા માટેની ચર્ચાના અંતે સભામાં સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું હતું.