(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૧૧
પોલીસે બાતમીના આધારે સુરત બસ સ્ટેન્ડ પાસેથી એક રીઢા ચોરને ઝડપી પાડ્‌યો હતો. પોલીસે તેની પાસેથી ચોરીના ૨૧ મોબાઇલ ફોન કબ્જે કર્યા હતા. પોલીસે પૂછપરછ કરતાં રેલ્વે સ્ટેશન, સેન્ટ્રલ બસ સ્ટેન્ડ અને સીટી બસ સ્ટેન્ડ જેવાં ભીડવાળાં વિસ્તારોમાંથી લોકોના ખિસ્સામાંથી મોબાઇલ ફોન ચોરી કરતો હોવાની કબુલાત કરી છે. મહિધરપુરા પાંચ અને રેલ્વે પોલીસના બે ગુનાના ભેદ ઉકેલાઇ ગયા છે.
પી.એસ.આઇ. એમ.જી.મકવાણા અને એ.એસ.આઇ. રમેશ દલપતને બાતમી મળી હતી કે મુંબઇથી સુરત શહેર વિસ્તારમાં આવી હોટલોમાં રોકાઇ સેન્ટ્રલ બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન અને સીટી બસ સ્ટેન્ડ પર મોબાઇલની ચોરી અને સ્નેચીંગ કરનાર રીઢો ગુનેગાર સેન્ટ્રલ બસ સ્ટેન્ડ પાસે ઊભો છે. આ હકીકતના આધારે પોલીસે વોચ ગોઠવી તેને ઝડપી પાડ્‌યો હતો. પોલીસે પુછપરછ કરતાં જલગાંવ જીલ્લાના ચાલીસગાંવ તાલુકાના પેઠચતરવાડનો વતની અને હાલ થાણા જુનાના કલ્યાણ વેસ્ટના ન્યુ સાંઇ કોલોની રામદાસ વાડીમાં રહેતો રાહુલ રામભાઉ શીમ્પી હોવાનું જણાવ્યુ હતુ. પોલીસે તેની અંગઝડતી કરતા રૂ.૧.૯૩ લાખથી વધુની મત્તાના ૨૧ મોબાઇલ ફોન મળી આવ્યા હતા. પોલીસે આ અંગે પુછપરછ કરતાં રાહુલે રેલ્વે સ્ટેશન, સેન્ટ્રલ બસ સ્ટેન્ડ અને સીટી બસ સ્ટેન્ડ પર ટ્રેન અને બસોમાં ચઢતા મુસાફરોના ખિસ્સામાંથી મોબાઇલ ફોન ચોરી કરતા હોવાની કબૂલાત કરી છે. રાહુલ ચોરી કરવા માટે મુંબઇથી સુરત આવતો હતો. અને હોટલમાં રોકાઇ ગુનાને અંજામ આપતા હોવાની કબુલાત કરી છે.