(એજન્સી) નવી દિલ્હી, તા. ૮
મુંબઇની આર્થર રોજ સેન્ટ્રલ જેલ કોરોના પોઝિટિવ દર્દીઓનું હબ બની રહી છે. કુલ ૨૭૦ કોરોના ટેસ્ટમાંથી ૭૭ કેદીઓ અને ૨૬ સ્ટાફ સભ્યોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તંત્ર દોડતું થઇ ગયું છે. રાજ્યની આર્થર રોડ જેલમાં એકસાથે ૧૦૩ લોકોના રિપોર્ટ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે આ અંગે રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખે જાણકારી આપતા જણાવ્યું કે, મુંબઈની આર્થર રોડ જેલમાં સામે આવેલા કોરોનાના કુલ કેસોમાં ૭૭ કેદીઓ છે અને ૨૬ જેટલા કર્મચારીઓ સામેલ છે. કોરોના સંક્રમિત કેદીઓને આજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. જેમને પોલીસની દેખરેખ હેઠળ જીટી હોસ્પિટલ અને સેન્ટ જ્યોર્જ હોસ્પિટલમાં ખસેડવામાં આવશે. આ સાથે જ કોરોના પોઝિટિવ સ્ટાફની સારવાર પણ હોસ્પિટલમાં કરવામાં આવશે. મુંબઇની આ જેલમાં પ્રથમ કેસ પોઝિટિવ આવ્યા બાદ દર્દીને જેજે હોસ્પિટલમાં ખસેડાયો હતો. ૪૫ વર્ષનો આ કેદીને બીજી મેના દિવસે પેરાલિસિસનો એટેક આવ્યો હતો ત્યારબાદ તેને સારવાર માટે ખસેડાયો હતો. ડોક્ટરે કહ્યું કે, આ દર્દીને તાવના લક્ષણો દેખાયા હતા. ત્યારે તેનો ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, મુંબઇની અન્ય જેલોની જેમ આર્થર રોડ જેલમાં પણ સંપૂર્ણ લોકડાઉનનું પાલન કરાય છે. સ્ટાફના સભ્યો જેલની અંદર અને બહાર અવર જવર કરી રહ્યા હતા જેઓ જરૂરી વસ્તુઓ જેવી કે શાકભાજી, દૂધ અને કરિયાણાની વસ્તુઓ લેવા જતા હતા. અહીં સતત સેનિટાઇઝેશન પણ થતું રહેતું હતુ અને જેલની દિવાલો પણ સેનિટાઇઝ કરાતી હતી. બીજી તરફ મહારાષ્ટ્ર માટે સૌથી ચિંતાજનક વિસ્તાર ધારાવીમાં પણ કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. મ્સ્ઝ્રના જણાવ્યા પ્રમાણે, અહીં એક જ દિવસમાં ૫૦ નવા કેસો સામે આવ્યા છે. જે બાદ આ ગીચ વસ્તીમાં કોરોના પોઝિટિવ લોકોની સંખ્યા વધીને ૭૮૩ થઈ ગઈ છે, જ્યારે અત્યાર સુધી ધારાવીમાં કુલ ૨૧ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.