(એજન્સી) તા.૬
મુંબઇ ખાતે એક વેપારીને ઢોર માર મારવા બદલ કસ્ટમ વિભાગના જોઇન્ટ કમિશનર રાઘવેન્દ્ર સિંઘ વિરૂદ્ધ એમઆરએ માર્ગ પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધવામાં આવી હતી. જો કે કસ્ટમની ઓફિસમાં આ કોઇ નવાઇની વાત નથી. વેપારીઓ અને અન્ય લોકોની સાથે ગેરવર્તણૂંક અને અસભ્ય વર્તન એ તદ્દન સામાન્ય વાત બની ગઇ છે, કેમ કે કસ્ટમની કચેરીમાં અધિકારીઓને કાયદાની સહેજ પણ પરવા નથી. હેલો મુંબઇ ન્યૂઝ દ્વારા આ સમગ્ર ઘટના જાહેરમાં લાવવામાં આવી હતી કે, એક આઇઆરએસ અધિકારી દ્વારા વેપારીને ઢોર માર મારવામાં આવ્યો હતો. જ્યારે આ સમાચાર એમઆરએ માર્ગ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા કે તરત જ કસ્ટમ વિભાગના જોઇન્ટ કમિશનર રાઘવેન્દ્ર સિંઘ વિરૂદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી હતી અને હાલ ઘટનાની તપાસ ચાલુ છે. જો કે હજુ સુધી કોઇની ધરપકડ કરાઇ નથી. એફઆઇઆરમાં વર્ણવેલી ઘટના અનુસાર ફરિયાદી વેપારી નલ્લાકન્ના અરૂમુગમ લિંગતારે આરોપ મૂક્યો હતો કે, રાઘવેન્દ્રસિંઘે એક કેસની તપાસ સંદર્ભે તેને કાયદાની પેટા કલમ ૧૦૮ અંતર્ગત એક સમન્સ મોકલ્યું હતું. વેપારી લિંગતારને ૧ ઓક્ટોબરના રોજ આ સમન્સ મળતા તે તાત્કાલિક બેલાર્ડ પિયરના ૧૧મા માળે આવેલી કસ્ટમની ઓફિસે પહોંચી ગયો હતો. જેવો તે વેપારી કસ્ટમની ઓફિસે પહોચ્યો કે તરત જ રાઘવેન્દ્રસિંઘે રોમેરા ઓવરસીઝ નામના કોઇ જૂના કેસમાં તેની પૂછપરછ શરૂ કરી દીધી હતી, ત્યારબાદ તે અધિકારીએ વેપારી ઉપર માનસિક દબાણ અને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું અને તરત જ તેને એક મોટી લાલ રંગની લાકડીથી ઝૂડવાનું શરૂ કરી દીધુ હતું. વેપારીને મારતા મારતા તે અધિકારી એમ કહેતા સંભળાયો હતો કે મુઝે મેરા હિસાબ ચાહિયે. આ મુજબની માંગણી સાથે તે અધિકારીએ વેપારીને સતત મારવાનું ચાલું રાખ્યું હતું. કસ્ટમના અધિકારીએ તે વેપારીને એટલી હદે માર્યો હતો કે તેના શરીરના ભાગે સોર પડી ગયા હતા જેના પગલે તેને ગંભીર ઇજા થઇ હતી. હદ તો ત્યારે થઇ કે તે અધિકારીએ બપોરના ૨.૩૦ વાગ્યાથી મોડી સાંજ સુધી તે વેપારીને મારવાનું ચાલું રાખ્યું હતું અને વેપારી નિઃસહાય થઇને અધિકારીનો અત્યાચાર સહન કર્યો હતો. મોડી સાંજે તેને જ્યારે છોડવામાં આવ્યો ત્યારે તે મેડિકલ સારવાર માટે તાત્કાલિક દવાખાને પહોંચી ગયો હતો જ્યાં તે બેભાન થઇ ગયો હતો. આ ઘટનાથી વેપારી સખત રીતે ડરી ગયો હતો અને ગભરાઇ ગયો હતો. બાદમાં વેપારી એમઆરએ માર્ગ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને કસ્ટમ વિભાગના જોઇન્ટ કમિશનર રાઘવેન્દ્રસિંઘ વિરૂદ્ધ એફઆઇઆર નોંધાવી હતી. પોલીસે પણ તેની સારવાર કરાવી હતી અને ઇન્ડિયન પીનલ કોડની પેટા કલમ ૩૨૪ અને ૩૨૩ હેઠળ કસ્ટમ વિભાગના અધિકારી વિરૂદ્ધ એફઆઇઆર નોંધી હતી.