(સંવાદદાતા દ્વારા) ભૂજ,તા.૯
મુંબઈમાં કોરોનાના દર્દીઓની સારવારમાં રોકાયેલી તબીબ યુવતી ભૂજ આવ્યા બાદ તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવવાના પગલે તંત્ર દ્વારા તબીબ યુવતીના ભૂજ સ્થિત રહેણાંક વિસ્તાર વિજયનગરના રોડને બન્ને બાજુથી બંધ કરી દેવાયો છે. બીજી તરફ તબીબ યુવતીને ભૂજની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યારે આ તબીબ યુવતીના સંપર્કમાં આવેલા અન્યોને માધાપર યક્ષમંદિરમાં ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
આ તબીબ યુવતી મુંબઈમાં ગ્રાન્ટ ગવર્નમેન્ટ મેડિકલ કોલેજમાં ઈન્ટર્નશિપ કરતી હતી અને ૪ દિવસ અગાઉ જ મહારાષ્ટ્ર સરકારની મંજૂરી મેળવી ભૂજમાં આવી હતી. તે દરમ્યાન તેમનો મુંબઈ ખાતે કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા કચ્છમાં ચિંતા ફેલાઈ છે. મુંબઈથી ભૂજ આવેલ તબીબ યુવતીને કોરોના પોઝિટિવ આવ્યા બાદ ભૂજ ખાતે તા.૯/પના રોજ ભૂજ શહેર એ-ડિવિઝન પોલીસ મથકમાં આ તબીબ યુવતી વિરૂદ્ધ ફોજદારી ફરિયાદ નોંધાઈ છે. કોરોના વાયરસ મહામારી વચ્ચે પોતાના કોરોના ટેસ્ટ રિપોર્ટની રાહ જોયા વિના કચ્છમાં આવવા બદલ તેમની વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.