છાપી, તા.ર૪
બનાસકાંઠાની ધારેવાડા બોર્ડર ઉપર મુંબઈથી ભેંસો ભરી આવતી ટ્રકમાં છૂપાઈને આવતાં ૧૪ લોકોને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા ખળભળાટ મચી ગયો હતો.
કોરોના મહામારી અંતર્ગત તમામ જિલ્લાઓની સરહદો સીલ કરવા સાથે બોર્ડરો ઉપર તંત્ર દ્વારા સખત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દરમિયાન બનાસકાંઠાના છાપી પોલીસની હદમાં અને પાટણ જિલ્લાને અડીને આવેલ ધારેવાડા ચેકપોસ્ટ ઉપર સિદ્ધપુર તરફથી આવતી એક ટ્રક પો. હેડ. કોન્સ્ટેબલ પ્રવીણસિંહ, યાજ્ઞિકભાઈ તથા વનાજીએે ઊભી રખાવી તલાશી લેતા ટ્રકના પાછળના ભાગે ભેંસો ભરેલ હતી. જ્યારે કનતાણનું પાટેશન કરેલ એક ભાગમાંથી ૧૪ લોકો ચોરી છૂપીથી બનાસકાંઠામાં પ્રવેશ કરવાની ફિરાક કરતા મળી આવ્યા હતા. આ તમામની પૂછપરછ કરતા તેઓ મુંબઈથી વતન આવી રહ્યા હતા, જેથી પોલીસે ટ્રકના ચાલક તેમજ ક્લિનર સહિત કુલ ૧૬ લોકો સામે લોકડાઉન તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.