(એજન્સી) મુંબઈ, તા.૧૩
મુંબઈના એક માછીમારની જાળમાં ટપકાવાળી મહાકાય વ્હેલ માછલી ફસાઈ ગઈ હતી, જેણે મુક્ત થવા અનેક પ્રયાસો કર્યા હતાં પણ તે નિષ્ફળ નિવડી હતી, એમ જહાજ પર સવાર એક માછીમારે જણાવ્યું હતું. પ્રતિકૂળ હવામાન અને ઘોર અંધકારને કારણે માછીમારોએ મુંબઈ પરત ફરવાનો નિર્ણય કર્યો હતો અને જહાજની પાછળ જાળી બાંધી પરત ફર્યા હતા. તેઓ બુધવારે સવારે મુંબઈના દરિયા કાંઠે પહોંચ્યા હતા. અખિલ ભારતીય માછીમાર કીર્તિ સમિતિના પ્રમુખ દામોદર ટંડેલે જણાવ્યું હતું કે, માછીમારો કોલાબાના બંદર ખાતે જાળી સાથે માછલીને મૂકીને આવી ગયા હતા. ત્યારબાદ ક્રેનની મદદથી આ મહાકાય માછલીને ખસેડવામાં આવી હતી. આ માછલી ૨૬ ફૂટ લાંબી અને બે ટનથી વધુ વજન ધરાવતી હતી. આ મહાકાય વ્હેલને ખસેડવાની કામગીરી વખતે કૂતુહલ વશ અનેક લોકો એકત્ર થયાં હતાં અને સેલ્ફી ખેંચી હતી. કોલાબા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ સ્વપ્નિલ કુંભારે જણાવ્યું હતું કે અમે વિસ્તારમાં પેટ્રોલિંગ માટે નીકળ્યા હતા ત્યારે અમે આ વિશાળકાય માછલી જોઈ હતી. દરમ્યાન મત્સ્ય વિભાગે કયા સંજોગોમાં આ માછલી મુંબઈના દરિયાકાંઠા સુધી પહોંચી તેની તપાસ આદરી છે.