(એજન્સી) મુંબઈ, તા.ર૦
બીએમસીએ મુંબઈની સોસાયટીઓને ચેતવણી આપી છે કે, જો સોસાયટીઓ સૂકો અને ભીનો કચરો જુદો કરી નહીં આપે તો એમની સામે કડક દંડનીય પગલાં લેવામાં આવશે. એમના પાણી અને વીજ જોડાણો પણ કાપવામાં આવશે. બીએમસી એના માટે મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડને પણ માહિતી આપશે અને પગલાં લેવા જણાવશે. બીએમસીના વરિષ્ઠ અધિકારી જે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ સંભાળે છે એમણે કહ્યું કે, બધી સોસાયટીઓ માટે કચરાના નિકાલ માટે કોમ્પોઝિટ યુનિટની વ્યવસ્થા કરવી અનિવાર્ય છે પણ મોટાભાગના પ્રોજેક્ટો એનો અમલ કરતા નથી. એના બદલે એ જગ્યામાં એમણે પાર્કિંગ અથવા બગીચા બનાવ્યા છે. નિયમો મુજબ સોસાયટીઓને આ માટે જોગવાઈ કરવાની છે. અન્યથા એમના પાણી અને વીજ જોડાણો કાપવામાં આવશે. જો કે, આના માટે પર્યાવરણ વિભાગની મંજૂરી લેવી જરૂરી છે જે અમે લઈશું. બીએમસી કમિશનરે ર૦૧૭ના ઓક્ટોબર મહિનામાં કહ્યું હતું કે આ નિયમ એવી સોસાયટીઓને લાગુ પડે છે જેનું ક્ષેત્રફળ ર૦ હજાર ચો.મી.થી વધુ હોય અથવા એ સોસાયટીઓ જે પ્રતિ દિવસે ૧૦૦ કિલો કચરો ભેગું કરતી હોય. બીએમસીએ જાહેર કર્યું હતું કે આવી સોસાયટીઓમાંથી કચરો ઉપાડવાનું કાર્ય બંધ કરવામાં આવશે.