(એજન્સી) મુંબઈ, તા.૧૨
કંગના રણૌતનું નામ લીધા વિના શિવસેનાએ તેની હાંસી ઉડાવતા જણાવ્યું હતું કે, મુંબઈને પાકિસ્તાન હસ્તકના કાશ્મીર તરીકે ઓળખાવી વિવાદ પેદા કરવા બદલ બોલિવૂડ અભિનેત્રીને “મુબારક હો”, શિવસેનાએ વધુમાં જણાવ્યું હતું કે, દેશની આર્થિક રાજધાની આવા વિવાદોથી ટેવાયેલી છે. પાર્ટીએ પોતાના મુખપત્રમાં જણાવ્યું હતું કે, જેમ કૌરવો દ્વારા દ્રૌપદીના વસ્ત્રહરણ સમયે પાંડવો નીચે મો નાંખી બેસી રહ્યા હતા, તેવી જ સ્થિતિ હાલ અમારી છે. શિવસેનાએ પ્રશ્ન કર્યો હતો કે, એ વાત ખૂબ પ્રચલિત છે કે, વિવાદ માફિયાઓ હંમેશાથી મુંબઈનું નામ જ ઉછાળતાં આવ્યા છે. તેઓ લોકોનું ધ્યાન ખેંચવા શા માટે બીજા રાજ્યોની રાજધાનીનું નામ લેતા નથી. આ એ ભૂમિ છે જ્યા છત્રપતિ શિવાજી મહારાજ, મહાત્મા જ્યોતિરાદિત્ય ફુલે અને ભીમરાવ આંબેડકરનો જન્મ થયો હતો. આ તમામ મહાનુભાવો અસમાનતા સામે લડયા હતા. સ્વાતંત્રતા સેનાની પાંડુરંગ બાપટે એક વખત જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર એક રાષ્ટ્ર છે, જો મહારાષ્ટ્ર મરી જશે તો આખું રાષ્ટ્ર નાશ પામશે. હાલનો ઘટનાક્રમ આંબેડકરનું સૌથી મોટું અપમાન છે. જો તેઓ આવી વ્યક્તિઓ સાથે મળી સત્તા આંચકવા પ્રયાસ કરે છે તો તે આંબેડકર પ્રત્યે આદરનો અભાવ દર્શાવે છે. આ પ્રકારના ઘણાં સાપ છૂપાયેલા છે, જે મહારાષ્ટ્રના દુશ્મન છે. શિવસેનાએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં દંતકથા સમાન દુંદિરાજ જી. ફાળકે ઉર્ફે દાદાસાહેબ ફાળકે દ્વારા બોલિવૂડનો પાયો નાંખવામાં આવ્યો હતો. દેશ, દુનિયામાંથી લોકો સિને જગતમાં પોતાનું ભાગ્ય અજમાવવા મુંબઈ આવે છે. પહેલા તેઓ સાંકડા મકાનોમાં રહે છે અને ભાગ્ય સાથ આપતા તેઓ મુંબઈના પોશ વિસ્તારોમાં બંગલા બનાવેે છે. પણ આ લોકો કયારેય મુંબઈ કે મહારાષ્ટ્રનો આભાર માનતા નથી. તેઓ પોતાની કર્મભૂમિ પ્રત્યે અપ્રમાણિક રહે છે. બોલિવૂડમાં પ્રસિદ્ધી હાંસલ કરનારા કેટલાક લોકોને ભારત રત્ન અને નિશાન-એ-પાકિસ્તાનથી સન્માનિત કરવામાં આવે છે. પણ દાદાસાહેબ ફાળકેને ક્યારેય દેશનું ટોચનું સન્માન પ્રાપ્ત થયું નથી.