(એજન્સી) મુંબઈ, તા.૮
મુંબઈની બીએમસી દ્વારા લોકોને માસ્ક પહેરવું ફરજિયાત કરી દેવાયું છે. કોરોના વાયરસને ફેલાતા અટકાવવા માટે બીએમસીએ લોકોને બહાર નીકળતા પહેલાં માસ્ક પહેરવું અનિવાર્ય કરી દીધું છે. નગરનિગમે પોતાના આદેશમાં કહ્યું છે કે, જાહેર સ્થળો પર જતાં બધા લોકોને ૩ લેયર માસ્ક કે કપડાનો માસ્ક પહેરવું ફરજિયાત છે. તેઓ ઘરેથી બનાવેલ માસ્કનો પણ ઉપયોગ કરી શકે છે. તેમણે વધુમાં એમ પણ કહ્યું કે, જો કોઈપણ મુંબઈમાં માસ્ક વગર દેખાશે તેને આઈપીસી કલમ હેઠળ સજાપાત્ર ગુનો કરાર આપવામાં આવશે અને સાથે તેની ધરપકડ પણ થઈ શકે છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા આજે કેટલીક કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે. આના ભાગરૂપે ઉદ્ધવ ઠાકરેએ ઘરની બહાર નીકળતી વેળા માસ્કનો ઉપયોગ કરવા લોકોને અપીલ કરી છે. આની સાથે પૂર્વ ડિફેન્સ હેલ્થ સર્વિસના કર્મચારીઓ નિવૃત્ત નર્સો, વોર્ડ બોયને કોરોના વાયરસ સામે લડવા સામેલ થવા અપીલ કરી હતી. રાજ્યને પોતાના સંબોધનમાં ઠાકરેએ અપીલ કરતાંની સાથે સાવચેત રહેવા કહ્યું હતું.