થાણે, તા.૨૩
મુંબઈમાં ઇસ્લામોફોબીઆનો એક કેસ સામે આવ્યો છે. મહારાષ્ટ્રના થાણે જિલ્લાના મીરા રોડ વિસ્તારમાં મુસ્લિમ ડિલિવરી બોય પાસેથી ચીજવસ્તુ લેવાનો ઇનકાર કરવાના આરોપમાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. મીરા રોડ જયા પાર્ક વિસ્તારમાં ડિલીવરી બોય બરકત પટેલ ચીજવસ્તુ આપવા ગયો હતો. એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ગજાનન ચતુર્વેદી (૫૧) વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ ૨૯૫એ (ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાના દૂષિત કૃત્ય) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. મીરા રોડનો રહેવાસી ૩૨ વર્ષીય બરકત પટેલ ઑનલાઇન રિટેલ સ્ટોરમાં નોકરી કરે છે. ન્યુઝ એજન્સી અનુસાર ૨૧ એપ્રિલે બરકતની નવમી ડિલિવરી સવારે ૯ઃ૪૦ કલાકે જયા પાર્ક ખાતે એક યુવતીના ઘરે હતી. જ્યારે બરકત યુવતીને તેમની ચીજવસ્તુનું પાર્સલ આપવા જઇ રહ્યા હતા, ત્યારે તેના પિતા ગજાનને યુવતીને ચીજવસ્તુ લેતા અટકાવી હતી. બરકતએ આ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો છે અને જેને તેણે પોલીસને સોંપ્યો છે. વીડિયોમાં આરોપી વાંધાજનક ટિપ્પણી કરતો જોવા મળી રહ્યો છે. બરકતને કહ્યું, ’’ સ્ત્રી (મહિલા) પાર્સલ લેવા જઈ રહી હતી, પરંતુ પુરુષે (ગજાનને) ના પાડી. જ્યારે તેણે કહ્યું કે તે મુસ્લિમો પાસેથી ચીજ વસ્તુ નહીં લે, ત્યારે મેં કંઈ પણ કહ્યા વિના તે મારા ફોન પર રેકોર્ડ કરવાનું શરૂ કર્યું. તે ખૂબ જ દુખદ હતું. કોરોના વાયરસના પગલે, ચીજવસ્તુઓ પહોંચાડનારા લોકોને સોસાયટીમાં પ્રવેશ ન કરવા સૂચના આપવામાં આવી છે. ગેટ પર ગ્રાહકોને બોલાવો અને સામાન સોંપવા કહ્યું છે. બરકતે કહ્યું, “જ્યારથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે ત્યારથી ગ્રાહકો તેમની સાથે આદરપૂર્વક વર્તે છે. આ કામ કરતી વખતે અમે ઘણું જોખમ લઈ રહ્યા છીએ. મોટાભાગના ગ્રાહકો સમજે છે કે અમે શા માટે બહાર ફરતા હોઈએ છીએ.’ મીરા પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર સંજય હજારેએ જણાવ્યું હતું કે આરોપીને તેના ઘરેથી ધરપકડ કર્યા બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને કસ્ટડીમાં મોકલી આપ્યો છે. ડિલીવરી બોય એક વર્ષથી ઑનલાઇન કરિયાણાના પોર્ટલ માટે કાર્યરત છે. બરકતે પોતાની સાથે બનેલી ઘટના વિશે ઘરમાં જણાવ્યું, ત્યારબાદ ઘરવાળાઓએ પોલીસને સંપર્ક કરવાની સલાહ આપી. તેમણે કહ્યું કે, બાળકો સહિત તેમનો પરિવાર તેમના માટે (ડિલિવરી બોય) કોરોનો વાયરસથી ચિંતિત છે, પરંતુ તેણે કોરોના રોગચાળાના લોકોને મદદ કરવાનું નક્કી કર્યું છે. તેમણે કહ્યું કે લોકડાઉન દરમિયાન પાર્સલ ઘણાં ઘરે પહોંચાડવામાં આવી રહ્યું છે. જો કે, આ પહેલાં આવા પ્રકારનો ભેદભાવ ક્યારેય જોયો નથી.