પહેલીવાર ફાઇનલમાં પહોંચેલી દિલ્હીને પાંચ વિકેટે આસાનીથી હરાવ્યું : રોહિત શર્માની કેપ્ટન ઈનિંગ, દિલ્હી ૬ં/૧૫૬, મુંબઈ ૫/૧૫૭

રોહિતની ટીમે પહેલીવાર ચેઝ કરી ટાઇટલ જીત્યુ

રાહુલે ઓરેન્જ અને રબાડાએ પર્પલ કેપ જીતી

રોહિત આઈપીએલમાં ર૦૦ મેચ રમનાર બીજો ખેલાડી બન્યો

દુબઈ, તા.૧૦
બોલરોની ધારદાર બોલિંગ બાદ રોહિત શર્મા (૬૮) અને ઈશાન કિશન (અણનમ ૩૩)ની શાનદાર બેટીંગની મદદથી આઈપીએલની ૧૩મી સીઝનની ફાઈનલમાં ડિફેન્ડીંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને પાંચ વિકેટે આસાન પરાજય આપી પોતાનું સતત બીજી અને ઓવરઓલ પાંચમું ટાઈટલ જીત્યું છે. મુંબઈ ઈન્ડિયન્સે છઠ્ઠીવાર ફાઈનલ રમી છે એમાં બેમાંથી પહેલીવાર ટાર્ગેટ ચેઝ કર્યું છે. આ પહેલા ર૦૧૦માં ચેન્નાઈ સુપર કિંગ્સ વિરૂદ્ધ ટાર્ગેટ ચેઝ કરી શક્યું ન હતું. સૌથી વધુ રન બનાવનાર કે.એલ. રાહુલે ઓરેન્જ કેપ કબજે કરી છે, જ્યારે સૌથી વધુ વિકેટ લેનાર રબાડા પર્પલ કેપ જીતવામાં સફળ રહ્યો છે.
આ પહેલા દુબઈના મેદાનમાં દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરતા ૧પ૭ રનનું ટાર્ગેટ આપ્યું હતું. રર રનમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ કપ્તાન શ્રેયસ ઐયર (૬પ અણનમ) અને રીષભ પંત (પ૬)એ અર્ધસદી ફટકારી ચોથી વિકેટ માટે ૯૬ રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી કરી ટીમને સન્માનજનક જુમલે પહોંચાડી હતી. મુંબઈ ઈન્ડિયન્સ માટે બોલ્ટે ત્રણ જ્યારે કોલ્ટર નાઈલે બે વિકેટ ઝડપી હતી. તેના જવાબમાં મુંબઈએ ૧૮.૪ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી ૧પ૭ રન બનાવી આસાન વિજય મેળવ્યો. ટીમ માટે કપ્તાન રોહિત શર્માએ સૌથી વધારે પ૧ બોલમાં ૬૮ અને ઈસાન કિશને ૧૯ બોલમાં ૩૩ રન બનાવ્યા. મુંબઈ માટે રોહિત અને ડીકોકે ઝડપી શરૂઆત કરી ૪પ રનની ભાગીદારી કરી હતી. ડીકોક ર૦ રન બનાવી સ્ટોઈનીશનો શિકાર બન્યો ત્યારબાદ ૯૦ રને ટીમે બીજી વિકેટ ગુમાવી. સુર્યકુમાર ૧૯ રન બનાવી રોહિત શર્માને બચાવવા રનઆઉટ થયો. ત્યારબાદ રોહિત અને ઈશાને ત્રીજી વિકેટ માટે ૪૭ રનની ભાગીદારી ટીમનો વિજય સુનિશ્ચિત કરી દીધો.
આવું બીજીવાર બન્યું છે જ્યારે ફાઈનલમાં બંને ટીમોના કપ્તાને અર્ધસદી ફટકારી. આ પહેલા ર૦૧૬ની ફાઈનલમાં હૈદરાબાદના કપ્તાન ડેવિડ વોર્નરે ૬૯ રન અને બેંગ્લોરના કપ્તાન વિરાટ કોહલીએ પ૪ રન બનાવ્યા હતા.
એક સીઝનમાં પાવરપ્લે દરમ્યાન સૌથી વધારે વિકેટ લેવાના મામલામાં બોલ્ટે મિશેલ જોનસનના રેકોર્ડની બરાબરી કરી છે, બંને પાવરપ્લેમાં ૧૬-૧૬ વિકેટ ઝડપી છે. જોનસને ર૦૧૩ની સીઝનમાં આ સિદ્ધિ મેળવી હતી.
આ દરમ્યાન રોહિત શર્મા આઈપીએલમાં ર૦૦ મેચ રમનાર બીજો ખેલાડી બની ગયો છે. આ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સનો કપ્તાન ધોની આઈપીએલમાં ર૦૦ મેચ રમી ચૂક્યો છે. રોહિત લીગમાં મુંબઈ ઉપરાંત ડેક્કન ચાર્જસ માટે પણ રમી ચૂક્યો છે, મુંબઈ માટે રોહિતની આ ૧પપમી મેચ હતી.
બીસીસીઆઈએ ગત વર્ષની તુલનાએ આ વખતે આઈપીએલની પ્રાઈઝ મની અડધી કરી દીધી હતી. ર૦૧૯માં વિજેતાને ર૦ કરોડ રૂપિયા અને રનર્સઅપને ૧ર.પ કરોડ રૂપિયા મળ્યા હતા, હવે વિનરને ૧૦ અને ઉપવિજેતાને ૬.રપ કરોડ જ મળશે.