(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૭
અર્નબ ગોસ્વામીના વકીલે બોમ્બે હાઈકોર્ટમાં દાવો કર્યો હતો કે, રિપબ્લિક ટીવીના સંસ્થાપકની ધરપકડ કરવાના ચક્રો મુંબઈ પોલીસે ફરી ગતિમાન કર્યા છે તે વાત મંગળવારે વાયુવેગે ફેલાતા ટિ્‌વટર પર ટિ્‌વટનો વિસ્ફોટ થયો હતો. આ ત્યારે થયું જ્યારે મહારાષ્ટ્ર વિધાનસભાએ અર્નબ ગોસ્વામી અને કંગના રાણાવત વિરૂદ્ધ રિપોર્ટ સોંપવા માટે બનાવાયેલી વિશેષાધિકાર ભંગની કમિટીનો સમય વધારીને ફેબ્રુઆરી સુધી લંબાવી દીધો હતો. જો તેઓ દોષિત ઠેરવાશે તો બંનેએ જેલવાસનો સામનો કરવો પડશે. ગોસ્વામીના વકીલે મંગળવારે બોમ્બે હાઈકોર્ટની જસ્ટિસ એસ.એસ.શિંદે અને એમ.એસ. કાર્નિકની બનેલી બેંચને જણાવ્યું હતું કે, ટીઆરપી કૌભાંડ કેસમાં અર્નબ ગોસ્વામીની ધરપકડ કરવા માટે મુંબઈ પોલીસની એક ટીમ દિલ્હી રવાના થઈ છે. સિનિયર એડવોકેટ આબાદ પાંડાએ કોર્ટને જણાવ્યું હતું કે, જજ સાહેબ હું એક આશ્ચર્યજનક નિવેદન આપવા જઈ રહ્યો છું કે, મહારાષ્ટ્ર પોલીસ અર્નબ ગોસ્વામીને પકડવા માટે દિલ્હી ગઈ છે. મને બપોરે ૨ઃ૩૦ વાગે સંદેશ મળ્યો છે. આ મેસેજ મારા ફોનમાં છે. રિપબ્લિક ટીવીને ચલાવનારી અર્નબ ગોસ્વામીની કંપની એઆરજી આઉટલાયર મીડિયા પ્રા. લી. ચેનલ સામે ઊભા કરેલા ટીઆરપી કૌભાંડ કેસમાં દાખલ કરાયેલી ફરિયાદને પડકારવા માટે હાઈકોર્ટ પહોંચી હતી. ટીઆરપી કૌભાંડમાં સંડોવણીમાં ચેનલના સીઈઓની ગયા અઠવાડિયે ધરકડ કરાઈ હતી.