(એજન્સી) મુંબઈ, તા.૭
રપ જાન્યુઆરીથી એનઆરસી, સીએએ અને એનપીઆરનો વિરોધ કરી રહેલા મુંબઈ બાગના પ્રદર્શનકારીઓ અને મુંબઈ પોલીસ વચ્ચે તાડપત્રી મુદ્દે અથડામણ થયા બાદ પ્રદર્શનકારીઓએ નાગપાડા જંકશન ખાતે ૬ કલાક સુધી ટ્રાફિક જામ કર્યો હતો.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર મુંબઈ બાગમાં પ્રદર્શન કરી રહેલા પ્રદર્શનકારીઓએ કામચલાઉ તાડપત્રીનો શેડ ઊભો કર્યો હતો જેનો પોલીસ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. મધ્ય રાત્રિએ પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે થયેલી દલીલ બાદ શુક્રવારે વહેલી સવારે બંને પક્ષો વચ્ચે અથડામણ સર્જાઈ હતી જેને પગલે ઘણી મહિલાઓને ઈજાગ્રસ્ત બનતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જો કે કોઈપણ પ્રદર્શનકારીને મોટી ઈજા થવા પામી ન હતી.
વહેલી સવારે થયેલી અથડામણ બાદ શુક્રવારે બપોરે ૩ કલાકે એક ટોળું નાગપાડા જંકશન ખાતે એકત્ર થયું હતું અને ત્યાં ૬ કલાક સુધી ટ્રાફિક જામ કરીને વરિષ્ઠ ઈન્સ્પેકટર શાલિની શર્માને સસ્પેન્ડ કરવાની માંગણી કરી હતી. જ્યારે મુંબઈ બાગમાંથી કેટલીક મહિલાઓએ જંકશન ખાતે આવીને ટોળાને માર્ગ ખુલ્લો કરવા માટે વિનંતી કરી ત્યારે રાત્રે ૯ કલાકે આ ટોળું વિખેરાયું હતું. શુક્રવારે આ ઘટના ઘટ્યા બાદ નાગપાડા જંકશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે બે એડિશનલ પોલીસ કમિશનર્સ ૪ ઝોનલ ડે.પોલીસ કમિશનર્સ અને એડિશનલ પર્સનલને બોલાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ધાર્મિક નેતાઓએ ટ્રાફિક જામ કરનારા ટોળાનું સંબોધન કરીને વરિષ્ઠ ઈન્સ્પેકટર શાલિની શર્માને સસ્પેન્ડ કરવાની માંગણી કરી હતી. પરંતુ મુંબઈ બાગમાં પ્રદર્શન કરી રહેલા પ્રદર્શનકારીઓએ તેવી માંગણી ન કરવાનું અને ટ્રાફિક જામ કરાયેલા રસ્તાઓને ખોલવાનું કહ્યું હતું.