(એજન્સી) મુંબઈ, તા.૨૪
મુંબઈના ભિવંડીમાં ત્રણ માળની એક ઈમારત ધરાશાયી થઈ છે. જેના કારણે કાટમાળમાં અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. અહેવાલ મુજબ આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. જયારે ત્રણ વ્યક્તિ ઘાયલ થયા હોવાનું જણાવાયું છે. મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ભિવંડીમાં આજે સવારે એક ત્રણ માળની ઈમારત અચાનક ધરાશાયી થઈ હતી. આ ઘટના અંગે ક્ષેત્રિય આપદા પ્રબંધ પ્રકોષ્ટના પ્રમુખ સંતોષ કદમે જણાવ્યું હતું કે, ભિવંડીના નવી બસ્તી વિસ્તારમાં સવારે નવ વાગ્યાના સુમારે આ ઈમારત ધસી પડી હતી.
જિલ્લાના વરિષ્ઠ પ્રશાસનિક અધિકારીએ જણાવ્યું હતું કે, એનડીઆરએફની ટીમને બચાવ અને રાહત કામગીરી માટે મોકલવામાં આવી છે. પોલીસ અધિકારીઓ અને અન્ય અધિકારીઓને પણ ઘટનાસ્થળ ઉપર રવાના કરવામાં આવ્યા છે.
અહેવાલ મુજબ આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. જયારે ત્રણ વ્યકિતને ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ૨૦થી વધુ વ્યક્તિઓ કાટમાળમાં દટાયા હોવાની આશંકા છે. રેસ્ક્યુ ટીમની મદદથી ઘાયલ લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ આ બિલ્ડિંગ ૨૦ વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે. તેમાં ૩૭ રૂમ છે, તેમાં એક ડઝનથી વધુ પરિવાર રહે છે.
આ ઘટનામાં ૬૦ વર્ષીય બાબુલ ઘોષ નામની વ્યક્તિનું મોત નિપજ્યું છે. જયારે ગંભીર રીતે ઘવાયેલા વ્યક્તિઓમાં ૫૬ વર્ષના બાણી બાબુલ, ૫૧ વર્ષના નીના પઠારે, ૨૨ વર્ષીય યાસ્મીન પઠારે અને એક ત્રણ વર્ષના બાળકનો સમાવેશ થાય છે.
આ ઘટનાના ઈજાગ્રસ્તોને જુપિટર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બિલ્ડિંગ ખૂબ સાંકડી જગ્યામાં આવ્યું હોવાથી રાહત અને બચાવ કામમાં પણ ઘણી મુશ્કેલીઓ આવી રહી હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું.