(એજન્સી) મુંબઈ, તા.૧૮
લગભગ સાત માસ અગાઉ અબ્દુલ મુનાફ શેખ નામના હાઈ-પ્રોફાઈલ બિઝનેસમેને મુંબઈ પોલીસને પત્ર લખી દહેશત વ્યક્ત કરી હતી કે, દરરોજના ક્રમ મુજબ મસ્જીદમાં જતાં સમયે ગુન્હેગારો તેમની હત્યા કરી નાંખશે, તેમણે વ્યક્ત કરેલી શંકા પ્રમાણે ગઈકાલે તેમની હત્યા કરી નાંખવામાં આવી હતી. મુંબઈના જૂહુ ખાતે રહેતા અને બિઝનેસની શૃખંલા ધરાવતા ૫૫ વર્ષીય અબ્દુલ શેખનું વિલ-પાર્લેની એક મસ્જીદ બહાર હત્યા કરી નાંખવામાં આવી હતી. તેઓ આ મસ્જીદના ટ્રસ્ટી પણ હતા. તેમને છૂરાના ૧૨ ઘા મારવામાં આવ્યા હતા. શેખના બનેવી અને પૂર્વ કોર્પોરેટર સલીમ બેગે જણાવ્યું હતું કે, તેઓ ઘણાં વર્ષોથી આ મસ્જીદમાં જ ફજરની નમાઝ પઢતા હતા. ધમકીઓ મળવાના કારણે તેઓ છેલ્લા બે વર્ષથી ચાલતા જવાના બદલે કારમાં મસ્જીદ સુધી જતા હતા. અન્ય સમયોએ તેમની સાથે સુરક્ષા ગાર્ડ હાજર રહેતા હતા. માત્ર સવારના સમયે તેઓ એકલા મસ્જીદમાં જતા હતા. બે શખ્સોએ તેમની પર સવારે છ વાગ્યાના સમયે હુમલો કરી ગળું કાપી ચપ્પાના ૧૨ ધા ઝીેંક્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે, એક હુમલાખોર સીસીટીવીમાં ઝડપાયો હતો. તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પણ ફરજ પરના ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. જૂહુ પોલીસ દ્વારા અજાણ્યા હત્યારાઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
પીડિત પરિવારે જણાવ્યું હતું કે, તેમને છેલ્લા બે વર્ષથી જાનથી મારી નાંખવાની ધમકીઓ મળતી હતી જેથી તેમણે અવારનવાર પોલીસને પત્ર લખી જાણ કરી હતી. એટલું જ નહીં, સંયુક્ત પોલીસ કમિશ્નર (ક્રાઈમ)ને પણ પત્ર લખી જાનને જોખમ હોવાની માહિતી આપવામાં આવી હતી. પત્રમાં જણાવ્યું હતું કે, સ્થાનિક અસમાજીક તત્વો તરફથી તેમને ધમકીઓ મળી રહી છે. કેટલાક પ્રસંગોએ ગુન્હેેગારો હથિયારો સાથે તેમની રાહ જોતા હતા. મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી નવાબ મલિકે પીડિત પરિવારની મુલાકાત લીધી હતી.