(એજન્સી) મુંબઈ, તા.૯
મુંબઈમાં એક વધુ ફિલ્મ હસ્તીના નિવાસ પર ગેરકાયદે બાંધકામ માટે બીએમસીએ હથોડો ઝીંક્યો છે. બીએમસીએ જુહુ ખાતે ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય અને પ્રધાન તેમજ અભિનેતા શત્રુઘ્ન સિંહાની જુહુ ખાતેથી નિવાસીય ઈમારત રામાયણમાં ગેરકાયદે કરાયેલ બાંધકામો તોડી પાડ્યા છે. મ્યુનિ. અધિકારીઓના જણાવ્યા અનુસાર શત્રુઘ્ન સિંહાની નિવાસીય ઈમારતમાં સોમવારે ગેરકાયદે બાંધકામ તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ બાંધકામમાં તેમણે શત્રુઘ્ન સિંહાને પૂજાના રૂમ અન્યત્ર ખસેડી લેવા જણાવ્યું હતું. પોલીસે જણાવ્યું કે, બીએમસીના નિયમોનો ભંગ કરવા બદલ શત્રુઘ્ન સિંહા સામે ટૂંક સમયમાં પોલીસ કેસ કરવામાં આવશે. આ ઉપરાંત ગેરકાયદે બાંધકામ તોડી પાડવા પાછળ થયેલ ખર્ચ પણ સિંહા પાસેથી વસૂલ કરવામાં આવશે. શત્રુઘ્ન સિંહાને ગેરકાયદે બાંધકામ માટે ૬ ડિસે. પ્રથમ નોટિસ બજાવવામાં આવી હતી. મ્યુનિ. અધિકારીઓએ શત્રુઘ્ન સિંહાની નિવાસી ઈમારતમાં ગેરકાયદે બે ટોઈલેટ, પેન્ટરી, ધાબા પર ટોઈલેટ, એક ઓફિસ અને પૂજા રૂમનું બાંધકામ જોયું. સિંહાએ જણાવ્યું હતું કે, તેમના ઘરમાં નજીવા ફેરફાર કરવામાં આવ્યા હતા. તેથી તેમણે તેને હટાવવા બીએમસી સ્ટાફને સહકાર પણ આપ્યો હતો. બીએમસીએ શત્રુઘ્ન સિંહાને ગેરકાયદે બાંધકામ માટે મહારાષ્ટ્ર રીઝિયન એન્ડ ટાઉન પ્લાનિંગ હેઠળ ૬ ડિસે. નોટિસ પાઠવી હતી. જેની ભાજપ સાંસદ દ્વારા અવગણના કરવામાં આવી હતી. શત્રુઘ્ન સિંહાએ પોતાની ઈમારતમાં વધારાનું બાંધકામ કરવા બાંધકામના અધિકારની રાહ જોતાં હોવાનો દાવો કર્યો હતો. બીએમસી દ્વારા ગત વર્ષની ફરિયાદના આધારે વર્ષ ર૦૧રમાં બંગલામાંથી બિલ્ડીંગ બનાવી અને તેના ધાબા પર વધારાનું ગેરકાયદે બાંધકામ કરવા બદલ શત્રુઘ્ન સિંહાને શનિવારે નોટિસ બજાવી છે. શત્રુઘ્ન સિંહાએ ગેરકાયદે બાંધકામ તોડી પાડવાના પગલાં અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે સરકાર ઘરની અંદર શૌચાલય નિર્માણને પ્રોત્સાહન આપે છે તેથી અમે ઈમારતના ધાબા પર એક શૌચાલયનું બાંધકામ કર્યું હતું.