(એજન્સી) મુંબઈ, તા.ર૦
મુંબઈમાં મંગળવારે સવારે ૧ હજાર જેટલા રેલવેના એપ્રેન્ટીસ તાલીમાર્થીઓએ કાયમી નોકરીની માગણી સાથે ૪ કલાક સુધી રેલ રોકો આંદોલન કર્યું હતું જેના કારણે સવારે નોકરી-ધંધાર્થે જતાં હજારો મુસાફરો અને ડબ્બાવાળા મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતા. હજારો વિદ્યાર્થીઓ ખોપોલી અને છત્રપતિ શિવાજી ટર્મિનસ ખાતે ટ્રેક પર બેસી ગયા હતા અને રેલવેમાં કાયમી કરવાની માગણી કરતા હતા. તેઓ રેલવેમાં કૌશલ્યવર્ધક કાર્યક્રમ હેઠળ તાલીમ લઈ રહ્યા હતા. જેના કારણે લોકલ ટ્રેનો ખોટકાઈ હતી. પોલીસે વિદ્યાર્થીઓને ટ્રેક પરથી હટાવ્યા હતા. સવારે ૭ કલાકે પ૦૦ વિદ્યાર્થીઓ સેન્ટ્રલ રેલવે લાઈન માટુંગા અને દાદર ટ્રેક પર એકઠા થયા હતા. તેઓ ટ્રેક પર બેસી ગયા હતા. પોલીસે તરત જ કાર્યવાહી કરી તેમને હટાવ્યા હતા. વિદ્યાર્થીઓએ આરોપ મૂકયો છે કે તેમના પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, દેખાવકારોએ પોલીસ પર પથરાવ કરતાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. તેમણે કહ્યું કે, ર૦% એપ્રેન્ટી માટે નોકરીઓ અનામતના નિયમમાં કોઈ બદલાવ કરાયો નથી તેમ રાજ્ય વિધાનસભામાં તેમણે જણાવ્યું હતું. લોકલ ટ્રેન સેવાઓ ખોરવાતાં ડબ્બાવાળાઓની સેવાઓને અસર પડી હતી. મુસાફરોએ ટ્રેનો રોકાઈ જતાં નોકરી જવા અન્ય વાહનોનો સહારો લીધો હતો. એસએસસીની પરીક્ષામાં મોડા પહોંચનાર વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો. રેલવેમાં મોટાપાયે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. સુપ્રીમકોર્ટના દિશા-નિર્દેશ મુજબ રેલવેમાં નિષ્પક્ષ ભરતી પ્રક્રિયા શરૂ કરાઈ છે. આંદોલનકર્તાઓએ હડતાળ પાછી ખેંચી હતી અને વાટાઘાટો માટે તૈયાર થયા હતા.
મુંબઈ : વિદ્યાર્થીઓના રેલ રોકો આંદોલનથી સેન્ટ્રલ લાઈન ૪ કલાક ખોરંભે પડી, ડબ્બાવાળાની સેવાને અસર

Recent Comments