(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૭
કેન્દ્ર સરકારના ત્રણ તલાક બિલ વિરૂદ્ધ શનિવારે મહારાષ્ટ્રના માલેગાંવમાં ૭૦,૦૦૦થી વધુ મુસ્લિમ બુરખાનશીન મહિલાઓએ સડકો પર મૂકપ્રદર્શન કર્યું હતું. આ બુરખાનશીન મહિલાઓના હાથમાં બેનર હતા. જેમાં લખ્યું હતું કે તેઓ શરિયતમાં સરકારની દખલગીરી ઈચ્છતી નથી. સરકારના ત્રણ તલાક બિલના આ વિરોધ પ્રદર્શનનું આયોજન ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા કરવામાં આવ્યું હતું. આ રેલીને મુસ્લિમ ધર્મના તમામ ફિરકાઓનું સમર્થન હતું. માલેગાંવ ડીએસપી ગજાનન રાજમેને જણાવ્યું કે ત્રણ તલાક માટેના આ વિરોધ પ્રદર્શન માટે માલેગાંવની તમામ સડકો ખાલી કરાવી દેવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે તેમના આંકડા મુજબ ૭૦ હજારથી વધુ બુરખાનશીન મુસ્લિમ મહિલાઓએ રેલીમાં ભાગ લીધો હતો. રેલીને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં મહિલા પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવી હતી. રેલીને ધ્યાનમાં રાખીને કેમેરા સિવાય સીસીટીવી કેમેરા પણ વિભિન્ન જગ્યાઓ પર મૂકવામાં આવ્યા હતા. રેલી દરમિયાન અપ્રિય ઘટના ટાળવા સાયકલ સુદ્ધાંને રેલી વચ્ચેથી પસાર કરવા દેવામાં આવી નહોતી. મુસ્લિમ બુરખાનશીન મહિલાઓ દ્વારા કાઢવામાં આવેલ રેલી માટે આ એક શાંતિપૂર્ણ વ્યવસ્થા હતી. આ રેલીમાં શિક્ષક, વકીલ, ડોક્ટર મહિલાઓએ પણ ભાગ લીધો હતો. આ રેલીમાં સામેલ ડો.ગઝલા નાસીરે જણાવ્યું કે ભારત એક લોકશાહી દેશ છે. અહીં દરેકને પોતાનો ધર્મ માનવાની આઝાદી છે. સરકારે કોઈપણ ધાર્મિક મામલામાં હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં. અમે એ સાંખી લઈશું નહીં. ત્રણ તલાક બિલનો વિરોધ કરવા રેલીમાં સામેલ આફિયા કલીમે કહ્યું, અમે સરકારના ત્રણ તલાક બિલનો વિરોધ કરવા રેલીમાં જોડાયા છીએ. અમે શરિયત કાનૂનમાં કોઈ પણ પ્રકારનો સરકારી હસ્તક્ષેપ ઈચ્છતા નથી.
મુંબઈ : સડકો પર ઉતરી ૭૦,૦૦૦ બુરખાનશીનોએ કહ્યું : ત્રણ તલાકમાં સરકારી હસ્તક્ષેપ સાંખી નહીં લેવાય

Recent Comments