(એજન્સી) મુંબઈ, તા.૧
ઉત્તરપ્રદેશના હાથરસ ખાતે બળાત્કારનો ભોગ બનેલી દલિત યુવતીના મોત બાદ મુંબઈ પીડિત પરિવાર સાથે ઊભેલી જોવા મળી હતી. લોકોએ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના રાજીનામાંની માંગ કરી હતી. પીડિતા પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરવા અને યોગી સરકાર સામે નારાજગી દર્શાવવા મુંબઈના દાદરના ચૈતન્યભૂમિ ખાતે લોકોએ કેન્ડલ માર્ચ યોજી હતી. દેખાવકારોએ ન્યાયની માંગ કરી હતી. સાથે યોગી આદિત્યાનાથ તાત્કાલિક રાજીનામું આપે તેવી માંગણી પણ કરવામાં આવી હતી.
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બાલાસાહેબ થોરાટ સહિતના નેતાઓ દ્વારા પણ કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. આ ઘટનાને ભયાનક ગણાવતાં પીડિત પરિવાર માટે ન્યાયની માંગ કરતાં સૂત્રો પોકરવામાં આવ્યા હતા. લોકોએ ન્યાયની માંગણી સાથે રસ્તાઓ ગજવ્યા હતા. અંધેરી ખાતે પણ મહિલા સંગઠનો દ્વારા આ પ્રકારની વિરોધ રેલી યોજવામાં આવી હતી. સમગ્ર દેશમાં આ પ્રકારના દેખાવો થઈ રહ્યાં છે. ખાસ કરીને પોલીસ અને તંત્ર દ્વારા જે રીતે પીડિતાના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા તેની સામે લોકોમાં ખાસ્સો રોષ છે. મુંબઈના અન્ય ભાગોમાં પણ પ્રદર્શન યોજાયા હતા. ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટસ ફેડરેશન અને મુંબઈ કોંગ્રેસ યુવા મોરચા જેવા વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા પણ દેખાવો કરવામાં આવ્યા હતા. આગામી બીજી ઓકટોબરના રોજ મુંબઈના આઈઆઈટી મેઈન ગેટ ખાતે પણ પ્રદર્શનનું આયોજન કરવામાં ઁઆવ્યું છે. આવતીકાલે દિલ્હીમાં ઈન્ડિયા ગેટ ખાતે પણ આ પ્રકારના દેખાવોનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રદર્શનમાં સામેલ લોકોએ અમેરિકાના “બ્લેક લાઈવ્સ મેટર”ની જેમ લોકોએ “દલિત લાઈવ્સ મેટર” લખેલા સૂત્રો સાથે દેખાવો કર્યા હતા.