(એજન્સી) મુંબઈ, તા.૭
પીડિતોના કુટુંબીજનો દ્વારા ઊઠાવાયેલ વાંધાના લીધે વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગી માલેગાંવ બ્લાસ્ટ ૨૦૦૮ના આરોપી કર્નલ પ્રસાદ પુરોહિત તરફે બોમ્બે હાઇકોર્ટમાં બુધવારે હાજર રહ્યા ન હતા. બોમ્બે બ્લાસ્ટમાં માર્યા ગયેલ ૬ વ્યક્તિઓના કુટુંબીજનોએ રોહતગીને એક ઈ-મેઈલ મોકલી જણાવ્યું હતું કે તેઓ આ પહેલા આ કેસમાં એનઆઈએ તરફે ૨૦૧૫ના વર્ષમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ હાજર રહ્યા હતા જયારે તેઓ ભારત સરકારના એટોર્ની જનરલ હતા. એમણે એ પણ કહ્યું હતું કે ૨૦૧૬ના વર્ષમાં એનઆઈએએ કાયદા વિભાગને જણાવ્યું હતું કે તેઓ રોહતગી પાસેથી પુરોહિત સામે મકોકા લાગુ કરી શકાય કે નહિ એ માટે અભિપ્રાય લે. આ સંજોગોમાં અમારા મતે આરોપી નંબર ૯ (પુરોહિત) તરફે તમારી કોર્ટમાં હાજરી હિતોનો સંઘર્ષ થશે અને સમગ્ર કાર્યવાહી માટે પૂર્વગ્રહ ઊભો કરનાર થશે. પત્ર મોકલનારાઓમાં નિસાર સૈયદ બિલાલ, સુગરા બી હારૂન શાહ, નૂરજહાં શેખ રફીક, શેખ ઇશાક શેખ યુસુફ, આઇનુર બી. ઝીઆનુલ્લાહ ખાન અને શેખ લિયાકત શેખ મોહ્યુદ્દીન હતા. યોગ્ય ટ્રાયલનું મૂલ્ય જાળવવા અને તમારા હોદ્દાની ગરિમાને ધ્યાનમાં લેતા અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે આરોપી પુરોહિત તરફે હાજર નહિ રહો. અરજદાર પુરોહિત તરફે અને એનઆઈએની વિરૂદ્ધ કેસ લડવાથી ફરિયાદ પક્ષની સમગ્ર કાર્યવાહી સામે શંકાઓ ઉપસ્થિત થશે. પત્રના અનુસંધાને વકીલ રોહતગીએ બોમ્બે હાઇકોર્ટમાં પુરોહિત તરફે હાજર રહેવા ઇનકાર કર્યો હતો. પુરોહિતના વકીલ નીલા ગોખલેએ હાઇકોર્ટ સમક્ષ આ પત્રનો ઉલ્લેખ કર્યો હતો.