(એજન્સી) મુંબઈ, તા.૯
કડક સુરક્ષા ધરાવતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરનું સરનામું પૂછનાર ૪૦ વર્ષીય વ્યક્તિની મુંબઈ પોલીસે આજે અટકાયત કરી હતી.
આ વ્યક્તિની સુરેશ વિસનજી પટેલ તરીકે ઓળખ કરવામાં આવી હતી અને એમની નવી મુંબઈમાંથી અટકાયત કરવામાં આવી હતી.
પ્રાથમિક તપાસમાં કોઈપણ શંકાસ્પદ બાબત મળી આવી નથી. પટેલ એક પ્રવાસી હતો અને મુકેશ અંબાણીનું ઘર જોવા ઉત્સાહિત હતો. પોલીસે જણાવ્યું હતું કે, કોઈપણ શંકા અને ભયને દૂર કરવા અમે હજુ સંપૂર્ણ પૂછપરછ કરી રહ્યા છીએ.
સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે, આજે સવારે જે ટેક્સીમાં પટેલ મુસાફરી કરી રહ્યો હતો એના ડ્રાયવરની પણ પૂછપરછ કરવામાં આવશે. પટેલના ડ્રાયવરે અન્ય ટેક્સી ડ્રાયવરને અંબાણીના ઘર એન્ટિલિયા બાબત પૂછ્યું હતું. કારણ કે, એનો ફોન બંધ પડી ગયો હતો જેથી તે મેપમાં લોકેશન જોઈ શકતો ન હતો.
ગઈ રાત્રે પોલીસને માહિતી અપાઈ હતી કે, બે લોકો અંબાણીના ઘરની લોકેશન બાબત તપાસ કરી રહ્યા છે એના પછી અંબાણીના ઘરની સુરક્ષા વધુ સઘન બનાવવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે, મોટી બેગો ધરાવતા બે વ્યક્તિઓએ ટેક્સી ડ્રાયવરને અંબાણીના ઘરના સરનામા બાબત પૂછ્યું હતું, એ પછી ડ્રાયવરે પોલીસને ફોન કરી માહિતી આપી હતી.
થોડા મહિનાઓ પહેલાં અંબાણીની બિલ્ડિંગથી થોડી દૂર શસ્ત્રો અને વિસ્ફોટકો ભરેલ એક એસયુવી કાર મળી આવી હતી અને એ સાથે કારમાંથી એક પત્ર પણ મળી આવ્યું હતું. આ ઘટના પછી પોલીસે અંબાણીના ઘરની બહાર સુરક્ષા વધારી છે.
મુકેશ અંબાણી અને એમનું કુટુંબ મુંબઈના કમ્બાલા હિલ વિસ્તારમાં ૨૭ માળના અતિ વૈભવી બિલ્ડિંગ એન્ટિલિયામાં નિવાસ કરે છે.