(એજન્સી) તા.૯
મુકેશ અંબાણી પોતાના પરિવાર સાથે લંડન શીફ્ટ થઇ રહ્યાં છે એવી અફવાઓને મુકેશ અંબાણીએ રદિયો આપ્યો છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી પોતાના ભારતીય પાસપોર્ટ સરન્ડર કરી રહેલા તેમના જેવા અન્ય હાઇ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ્સના કિસ્સામાં આવું નથી. ૨૦૦૮થી પશ્ચિમના દેશોમાં સેટલ થવા માટે દર વર્ષે લગભગ ૫૦૦૦થી ૬૦૦૦ લાખોપતિઓ ભારત છોડી ગયાં છે. મોટા ભાગના અન્ય દેશો કરતાં ભારતમાં દર વર્ષે લાખોપતિ બિઝનેસમેન અને ઉદ્યોગપતિોઓનો ઉમેરો થઇ રહ્યો છે પરંતુ તેમાંના બધાં લોકો તેમને ધનિક બનાવનાર દેશમાં રહેવા માગતાં નથી. ધનાઢ્યો આ રીતે દેશ છોડી જવા પાછળનું ખરેખર કારણ શું છે ? ૨૦૧૪થી ૨૦૨૧ વચ્ચે ભારતીય પાસપોર્ટનું રેંકિંગ હેન્ડલી પાસપોર્ટ ઇનડેક્ષમાં ૯૦ પર હતું તે ઘટીને ૭૬ પર આવી ગયું છે. ગઇ સાલ પણ આ રેંકિંગ ૮૪માં ક્રમે હતું તે વધુ ૬ પોઇન્ટ ગગડ્યું હતું. હવે ભારતીય પાસપોર્ટ પર માત્ર ૫૮ જ દેશો વિઝા મુક્ત પ્રવાસની મંજૂરી આપે છે. બીજું ૨૦૧૬માં જ્યારથી નોટબંધી કરવામાં આવી છે ત્યારથી આર્થિક વિકાસમાં નાટકીય રીતે ઘટાડો થયો છે. મધ્યમ સ્તરની મોટા ભાગની કંપનીઓએ બિઝનેસ ગુમાવી દીધો છે. ૨૦૧૧થી ૨૦૨૦ વચ્ચે વર્તમાન દરે પીપીપીના આધારે ગણતરી કરતાં ભારતની માથાદીઠ જીડીપીમાં માત્ર ૪.૩ ટકાનો જ વધારો થયો છે. તેના અગાઉના દાયકામાં જીડીપીનો વૃદ્ધિ દર વાર્ષિક ૭.૨ ટકા હતો. આ ઉપરાંત છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં ટેલિકોમ, કોલસા, બેંકિંગ અને સંરક્ષણ ક્ષેત્રમાં મોટા અને ચોંકાવનારા કૌભાંડો સામે આવ્યાં છે. સૌથી મોટું કૌભાંડ એ ૨-જી કૌભાંડ હતું જેના કારણે ભારતીય કેબિનેટ પ્રધાનો બ્યુરોક્રેટ્સ અને બિઝનેસમેન સહિત ૧૯ હાઇપ્રોફાઇલ લોકોની ધરપકડ કરાઇ હતી. આ ઉપરાંત કેટલાક બિઝનેસમેન અન ઉદ્યોગપતિઓ દેશમાં ટેક્સ ટેરરીઝમથી ત્રાસી ગયાં છે. ૨૦૧૯માં કાફે કોફી ડેના સંસ્થાપક વી જી સિદ્ધાંર્થે ટેક્સ અધિકારીઓ દ્વારા થતી પજવણીનો આક્ષેપ કરીને આત્મહત્યા કરી હતી. તાજેતરમાં કોવિડ-૧૯ મહામારીએ પણ અર્થતંત્ર અને ઉદ્યોગોને પ્રભાવિત કર્યા છે. આ બધા કારણોસર મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ અને બિઝનેસમેન દેશ છોડી રહ્યાં છે. શું આગામી વર્ષોમાં ભારતીય પાસપોર્ટ વધુ પાવરફુલ બનશે ? દરેક ભારતીય આશાવાદી છે.
Recent Comments