ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બુધવારે બપોરે અમદાવાદ શહેરના ધારાસભ્યો ઇમરાન ખેડાવાલા, ગ્યાસુદિન શેખ અને શૈલેષ પરમાર સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. ગ્યાસુદિન શેખ અને શૈલેષ પરમાર બંને સેલ્ફ આઇસોલેશનમાં છે ત્યારે તેઓ પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખે તેવી લાગણી તેમણે વ્યકત કરી હતી. મુખ્યમંત્રીએ ઇમરાન ખેડાવાલા જે હાલ કોરોના વાયરસની બિમારી અંગે સારવારગ્રસ્ત છે તેમના ખબરઅંતર પૂછયા હતા તેમજ તેમને વધુ સારવાર વગેરેની કોઇ જરૂરિયાત હોય તો તે માટે મદદરૂપ થવાની તત્પરતા દર્શાવી હતી. વિજય રૂપાણીએ ઇમરાન ખેડાવાલા સહિત આ ત્રણેય જનપ્રતિનિધિઓ ત્વરિત સ્વસ્થ થઇને ફરી પોતાના વિસ્તારના નાગરિકો-લોકોની સેવાના કાર્યોમાં લાગી જાય તેવી શુભેચ્છાઓ પણ આપી હતી. ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ તેમની ખબર પુછી એક વડીલની જેમ ગરમ પાણી પીવા અને ગરમ પાણીમાં નમક નાખી કોગળા કરવા તેમજ સાવચેતી રાખવા સલાહ આપી હતી.