(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૫
વડોદરા ખાતે કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં કાર્યક્રમ સ્થળે પહોંચી રજૂઆત કરવા નિકળેલા પ્રદેશ કોંગ્રેસના અગ્રણી નરેન્દ્ર રાવત તેમજ સેનેટ સભ્ય કપીલ જોશીની પોલીસે અટકાયત કરી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં હસ્તે વડોદરા ખાતે ખેડૂતોને સહાય વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. તે દરમિયાન શહેરના વિવિધ પ્રશ્નો જેવા કે, અહેમદરઝાનગર વસાહતના મકાનો ઉપર બુલ્ડોઝર ફેરવી તોડી પાડયા બાદ હજુ સુધી અસરગ્રસ્તોને મકાનની ફાળવણી કરવામાં આવી નથી. તેમજ વિશ્વામિત્રી નદીમાં પુરાણ કરી કારેલીબાગ વિસ્તારમાં આગોરા સીટી મોલ દ્વારા ભ્રષ્ટાચાર આચરી બાંધકામ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સહિત વિવિધ પ્રશ્ને કોંગ્રેસના અગ્રણી નરેન્દ્ર રાવત મુખ્યમંત્રીને રજૂઆત કરવા જવાના હોય તે પૂર્વે જ પોલીસે તેમના નિવાસ સ્થાનેથી અટકાયત કરી લીધી હતી. સાથે જ કોંગ્રેસના સમર્થક એવા સેનેટ સભ્ય કપીલ જોશી અને નિકુલ પટેલની પણ અટકાયત પોલીસે કરી હતી.