અક્ષય પટેલે કરોડો રૂપિયામાં વેચાઈ મતદારો સાથે દ્રોહ કર્યો : અમિત ચાવડા

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.રર
કોરોના કાળ વખતે કોંગ્રેસના ધારાસભ્યો જયપુરમાં દારૂ પીને સ્વીમિંગ પુલમાં ધુબાકા મારતા હતા તેવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નલિયાની જાહેર સભામાં આપેલા નિવેદનનો જવાબ આપતા કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં દારૂબંધીના નામે ખાલી ધતિંગ થઈ રહ્યું છે. દારૂના હપ્તા મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચે છે. ગુજરાતમાં ભાઉ અને ભાઈ વચ્ચેની લડાઈ ચાલે છે તે વિશે મુખ્યમંત્રી વાત કરતા નથી. ઉપરાંત પક્ષપલ્ટો કરી ભાજપમાં જઈ કરજણ બેઠકની ચૂંટણી લડતા અક્ષય પટેલ વિશે તેમણે જણાવ્યું હતું કે, તેઓ કરોડો રૂપિયામાં વેચાઈ ગયા હતા.
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા વિધાનસભાની પેટાચૂંટણીને લઈ વિવિધ વિસ્તારમાં પ્રચાર કરી રહ્યા છે એ દરમિયાન એક સભાને સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે, ભાજપના ખરીદ વેચાણના કારણે પેટાચૂંટણી યોજાઈ રહી છે જેમાં જનતાના નાણાંનો બગાડ થઈ રહ્યો છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં ગયેલા અક્ષય પટેલ પર આરોપ લગાવતા તેમણે જણાવ્યું હતું કે, અક્ષય પટેલ ૫૨ કરોડથી વધુમાં વેચાયા છે વેચાયેલા ધારાસભ્યોએ જનતા સાથે દ્રોહ કર્યો છે. તેમને જનતા ક્યારેય માફ નહીં કરે. અક્ષય પટેલને ખરેખર ખેડૂતોની ચિંતા હોત તો તેઓ પક્ષપલટો ના કરતા. પરંતુ હવે પ્રજા આવા ગદ્દારોને ઓળખી ગઈ છે અને પક્ષપલટો કરનારા નેતાઓને ચોક્કસ પાઠ ભણાવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના કોંગ્રેસના ધારાસભ્યો જયપુરમાં દારૂ પીને સ્વીમિંગ પુલમાં ધુબાકા મારતા હતા. આવા મુખ્યમંત્રીના નિવેદન સામે અમિત ચાવડાએ પલટવાર કર્યો હતો કે, ગુજરાતમાં આજે ખુલ્લેઆમ દારૂ વેચાય રહ્યો છે, ત્યારે મુખ્યમંત્રી કેમ ચૂપ છે ? દારૂબંધીના નામે ખાલી ધતિંગ થઈ રહ્યા છે. કાયદાની એસીતેસી કરનાર બુટલેગરોના દારૂ હપ્તા છેક મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચે છે. સમગ્ર રાજ્યમાં સરેઆમ દારૂ જુગારની પ્રવૃત્તિ ફુલી ફાલી છે. મુખ્યમંત્રી કોંગ્રેસના ધારાસભ્યો અંગે બેજવાબદારીભર્યા નિવેદન કરે છે, પરંતુ ગુજરાત ભાજપમાં ભાઉ અને ભાઈ વચ્ચેની લડાઈ છે તે અંગે કેમ વાત કરતા નથી ?