ઉના, તા.રર
ઊના- ગત લોકસભાની ચુંટણી વખતે ઊનામાં પધારેલા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું સ્ટેજ પર જઇ સન્માન કરનાર વાસોજ ગામનો બુટલેગર અને ભાજપના કાર્યકરને ગીરસોમનાથ જીલ્લા એલસીબી બ્રાન્ચની પોલીસે ૨૩ બોટલ વિદેશી દારૂ સાથે પકડી પાડી જેલ હવાલે કરતા ગુજરાત સરકારની દારૂ બંધીના દાવાના સરેઆમ ધજ્યા ઉડ્યા હોવાનું સમગ્ર તાલુકામાં ચર્ચાનો વિષય બન્યો છે.આ અંગે જાણવા મળતી વિગત મુજબ નવાબંદર મરીન પોલીસ સ્ટેશન હેઠળ આવતા વાસોજ ગામના ભાજપના કાર્યકર ધીરૂ જીવા બારૈયા રહે.ખોડીયાર શેરી વાળો વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ટની ૨૩ બોટલો કિ.રૂ.૧૨,૪૦૦ ની પોતાના કબ્જામાં રાખી વેચાણ કરતો હોવાની માહીતી ગીરસોમનાથ એલસીબી પોલીસના પો.હેડ.કો. પી જે વાઢેર અને તેના સ્ટાફને મળતા આ ઉપરોક્ત બુટલેગરને ત્યાં રેઇડ દરમ્યાન મળી આવતા પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આ બુટલેગર ભાજપનો કાર્યકર હોય અને તેણે રાજ્યના મુખ્યમંત્રીનું સન્માન પણ કરેલ હોય દારૂ સાથે ઝડપાતા ઊના પંથકમાં ચકચાર મચી ગયેલ છે. અને સરકારના દારૂબંધીના કહેવાતા દાવા પોકળ સાબીત થયેલ છે. ખુદ ભાજપના કાર્યકરો દીવ પંથકમાંથી દારૂ લાવીને ગુજરાતની દરીયાઇ પટ્ટી વિસ્તારોમાં વેચાણ કરતા હોવાનું પોલીસ રેકર્ડ પર ખુલવા પામેલ છે. ત્યારે ભાજપ સંગઠનના હોદેદારો આવા કાર્યકરોને હાંકી કાઢશે કે પછી પાર્ટીની છબીને વધુ નુકસાન પહોચાડનારા આવા બુટલેગરોને સાચવશે તેવી ચર્ચા ઉઠવા પામી છે.