અમદાવાદ,તા.૧૦

ગુજરાતના મુખ્યમંત્રીએ ખેડૂતો માટે મુખ્યમંત્રી કિસાન યોજનાની જાહેરાત કરી છે. તેને કોંગ્રેસે છેતરામણી અને લોલીપોપ સમાન ગણાવી  જણાવ્યું છે કે પ્રધાનમંત્રી ફસલ યોજનાને રદ કરી ગુજરાતના પ૬ લાખ ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે. આથી સરકારે આ જાહેરાત પાછી ખેંચી પાક  વીમા યોજના ફરી લાગુ કરવી જોઈએ. તેવી માંગ ઉઠી છે. ગુજરાતની ભાજપ સરકાર દ્વારા ચાલુ વર્ષે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના રદ કરવાની જાહેરાતને ગુજરાતના ખેડૂતોને ભાજપ સરકાર દ્વારા મોટી થપ્પડ હોવાનું જણાવીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ વર્તમાન યોજનાને બદલે કોંગ્રેસ પક્ષની સરકારો વખતની પાક વીમા યોજના  લાગુ કરવાની માગણી કરીને રાજયના મુખ્યમંત્રી દ્વારા વિકલ્પે જાહેર કરાયેલી યોજનાને લોલીપોપ ગણાવી હતી. છેલ્લા ૬ વર્ષથી ભાજપ સરકાર દ્વારા અમલમાં રહેલી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ભાજપ સરકારના ખાનગી વીમા કંપનીઓ સાથેના મેળાપીપણાને કારણે ખેડૂતોને ઓછી અને વીમા  કંપનીઓને લાભ કરાવનારી હતી. આખા દેશમાંથી ભાજપની માનીતી ૧૦ ખાનગી કંપનીઓ વાર્ષિક રૂપિયા ર૭૦૦૦ કરોડની રકમ ઉઘરાવીને ભાજપ સરકારના મેળાપીપણામાં ૭૦ ટકા રકમ આ કંપનીઓ ચાઉ કરી જતી હતી અને ખેડૂતોને ઠેંગો બતાવતી હતી. ગુજરાતમાં પણ આ કંપનીઓ રૂા. રપ૦૦થી ૩૦૦૦ કરોડનું પ્રિમિયમ ઉઘરાવતી હતી. ખેડૂતોને આશા હતી કે ભાજપની નરેન્દ્ર મોદીની ભાજપ સરકારે ર૦૧પ-૧૬માં અમલી બનાવેલી આ ભ્રષ્ટાચારી યોજનાને બદલે અગાઉ વડાપ્રધાન રાજીવ ગાંધીએ અમલી બનાવેલ રાજીવ ગાંધી  રાષ્ટ્રીય પાક વીમા યોજના પુનઃ ચાલુ કરાશે અને તેની અમલવારી સરકારી વીમા કંપની એગ્રીકલ્ચર ઈન્સ્યુરન્સ કોર્પોરેશનને પુનઃ સોંપી દેવાશે. તેને બદલે વીમા કંપનીઓએ આ વર્ષે વધારે ઉંચા ભાવનું ટેન્ડર ભર્યું છે. એવા બાલીશ બહાના હેઠળ વીમા યોજના જ બંધ કરી દેવાનું ભાજપનું કૃત્ય ખેડૂતોને મોટી લપડાક છે.