(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૧૬
રાજ્યમાં કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં ગુજરાત વિધાનસભાનું ટૂંકુ ચોમાસુ સત્ર તા.ર૧મી સપ્ટેમ્બરથી યોજાવા જઈ રહ્યું છે, ત્યારે તેમાં કોરોના અંગેની ગાઈડલાઈનનો કડક અમલ કરવા તથા હાજર રહેનાર મંત્રી-ધારાસભ્યો વગેરે તમામનો ફરજિયાત કોરોના ટેસ્ટ કરવામાં આવનાર છે. આ સત્રમાં સરકાર તરફથી વિવિધ ર૪ સરકારી વિધેયકો પસાર કરવાની તૈયારી કરાઈ છે. આ ઉપરાંત કોરોના કાળમાં સારી કામગીરી કરનાર કોરોના વોરિયર્સને બિરદાવવા સરકારી સંકલ્પ પણ ગૃહમાં રજૂ કરવામાં આવશે.
આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં વિધાનસભાના સત્ર સંદર્ભે થયેલ વિસ્તૃત ચર્ચા બાદ આ અંગે મીડિયાને વિગતો આપતા મંત્રી જાડેજાએ કહ્યું કે, ગુજરાતમાં પ્રવર્તી રહેલ કોરોનાની પરિસ્થિતિને અનુલક્ષીને વિધાનસભાના અધ્યક્ષ દ્વારા સંક્રમણ ન થાય એ માટે પૂરતી તકેદારીના પગલા લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના સભ્યો, તમામ ધારાસભ્યોને ટેસ્ટિંગ કર્યાં બાદ જ પ્રવેશ અપાશે. ગૃહમાં યોગ્ય સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે પણ પૂરતુ આયોજન કરાયું છે. સત્ર દરમિયાન તકેદારીના ભાગરૂપે અરજદારો મુલાકાતીઓને પ્રવેશ અપાશે નહીં.
કોરોના કાળમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કોરોના વોરિયર્સની કામગીરીને બિરદાવવા માટે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા સરકારી સંકલ્પ રજૂ કરાશે. જે ૨૪ વિધેયકો રજૂ થવાના છે તેમાં મુખ્યત્વે ગુંડા ધારા એકટ, પાસાના કાયદામાં સુધારો, ભૂમાફિયા એકટ અને મહેસૂલી સેવાના રજીસ્ટર એક્ટ અંગેના વિધેયકો પસાર કરીને જનહિત લક્ષી નિર્ણય લેવાશે.
તેમણે કહ્યું કે, તા.૨૦મી સપ્ટેમ્બરે ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક મળનાર છે. અધ્યક્ષ દ્વારા કોરોના સંદર્ભે લેવાયેલા પગલાં અંગે આ બેઠકમાં ધારાસભ્યોને માહિતી આપી તેને અનુસરવા માર્ગદર્શન અપાશે. ગૃહમાં પણ યોગ્ય સોશ્યલ ડિસ્ટન્સ જળવાય તે પ્રકારની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. અરજદારોએ પોતાની રજૂઆતો સચિવાલય સંકુલમાં કરી શકે તેવી વ્યવસ્થા માટે સુચના આપવામાં આવી છે.