(એજન્સી) કોલકાતા,તા.૧૭
વિશ્વભારતી યુનિવર્સિટી ખાતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પશ્ચિમ બંગાળના રાજયપાલ જગદીપ ધનખડે ચિંતા વ્યકત કર્યા પછી મુખ્યમંત્રી મમતા બેનરજીએ તેમની સાથે વાત કરી હતી. રાજયપાલે ટવીટ કરી કહ્યું હતું કે મેં વિશ્વભારતીમાં બગડતી જતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી હતી. તેમણે મને ખાતરી આપી હતી કે વહીવટીતંત્ર પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે બધા પગલાં લેશે. જો કે આ ટવીટ પહેલા રાજયપાલે કહ્યું હતું કે વિશ્વભારતી ખાતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચિંતાજનક છે. વિદ્યાના મંદિરમાં શાંતિ સ્થાપવા માટે હું મુખ્યમંત્રી સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. ઉપ-કુલપતિ મુજબ તોફાનીઓએ કેમ્પસમાં ઘૂસી યુનિવર્સિટીની સંપત્તિને નુકસાન પહોંચાડયું હતું. ઉલ્લેખનીય છે કે પૌષ મેળા મેદાન ખાતે બાઉન્ડ્રી વોલના બાંધકામ સામે વિરોધ નોંધાવવા મોટી સંખ્યામાં લોકો યુનિવર્સિટી કેમ્પસમાં ઘૂસી ગયા હતા અને સંપત્તિને નુકસાન પહોંચાડયું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે યુનિવર્સિટી વહીવટીતંત્રે આ ગ્રાઉન્ડની આસપાસ દીવાલ બનાવવાનો નિર્ણય કરતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. આ ઘટના પછી દીવાલનું બાંધકામ રોકી દેવામાં આવ્યું છે.