આગના ગોઝારા બનાવ અંગે તપાસના આદેશો : બે અધિકારીઓની નિમણૂંક ! કમનસીબ ઘટના અંગે મુખ્યમંત્રીએ સંવેદના વ્યક્ત કરી

અમદાવાદના પીરાણા-પીપળજ રોડ પર કારખાના અને ગોડાઉનમાં લાગેલી આગની દુર્ઘટનામાં ૧૧ વ્યક્તિઓના મૃત્યુ થતાં રાજ્યભરમાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ દુર્ઘટના અંગે તપાસના આદેશો જારી કર્યા છે. આ ઉપરાંત મૃત્યુ પામનારાના વારસદારોને સહાયની જાહેરાત કરવા સાથે અને બનાવ પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદમાં સર્જાયેલી આગ દુર્ઘટનામાં જાન ગુમાવનારા કમનસીબ વ્યક્તિઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ આ આગ દુર્ઘટનાની તપાસ કરી તાત્કાલિક અહેવાલ રાજ્ય સરકારને સુપરત કરવા બે ઉચ્ચ અધિકારીઓને જવાબદારી સોંપી છે. તેમણે આ આગ દુર્ઘટનાની તપાસ માટે શ્રમ રોજગારના અધિક મુખ્યસચિવ વિપુલ મિત્રા અને જીપીસીબીના ચેરમેન સંજીવકુમારની નિમણૂક કરી છે. મુખ્યમંત્રી રૂપાણીએ આ દુર્ઘટનામાં જાન ગુમાવનારા પ્રત્યેક મૃતકના વારસદારને રાજ્ય સરકારની રૂપિયા ચાર લાખની સહાય આપવાની જાહેરાત કરી છે. તેમણે મૃતકોના આત્માને શાંતિ માટે તેમજ ઈજાગ્રસ્તો વહેલા સાજા થાય તે માટે પ્રાર્થના પણ કરી છે. રાજ્યમાં આગની ફરી ગોઝારી ઘટના બનતા લોકોમાં ચર્ચાઓ શરૂ થઈ જવા પામી છે. બનાવ વખતે તપાસના આદેશો જારી કરાયા છે. પરંતુ રાજ્યમાં આવા ગોઝારા બનાવો ફરીવાર ન બને તે માટે નક્કર પગલાં લેવાતા ન હોઈ લોકોમાં રોક જોવા મળી રહ્યો છે.