(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.રર
ગુજરાત ભાજપમાં નવા પ્રદેશ પ્રમુખની વરણી થયા બાદ હવે ફરીથી સરકારના મંત્રીમંડળના વિસ્તરણની વાતો વહેતી થઈ ગઈ છે. તેમાં પણ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યપાલની સાથે મુલાકાત કરતાં મંત્રીમંડળના વિસ્તરણની વાતને બળ મળ્યું છે. જો કે, સરકાર તરફથી આ માત્ર શુભેચ્છા મુલાકાત હોવાનું અને અને મંત્રીમંડળના વિસ્તરણની કોઈ વાત ન હોવાનો ખુલાસો કરાયો છે. જો કે, સરકારના મંત્રીમંડળમાં નવાને સામેલ કરવા અમૂક મંત્રીઓને પડતા મૂકવા સહિતના ફેરફારની અટકળો આજે તેજ બની છે.
ભાજપમાં પ્રદેશ પ્રમુખની નિમણૂંક સંપન્ન થતા હવે સરકારમાં પણ નવા ચહેરાઓને સામેલ કરવાને લઈને અટકળો તેજ બની છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સીએમ રૂપાણીએ આજે અચાનક જ રાજ્યપાલ સાથે મુલાકાત કરતા કેબિનેટમાં વિસ્તરણ કરાય તેવી અટકળો શરૂ થઈ ગઈ છે. સંગઠનમાં લાંબો સમય કામ કરનારા જીતુ વાઘાણીને પણ હવે મંત્રીપદુ અપાય તેવી વાતો વહેતી થઈ છે. ભાજપે જીતુ વાઘાણીની ટર્મ પૂરી થતાં તાજેતરમાં જ સંગઠનમાં મોટો ફેરફાર કરતા પહેલીવાર બિનગુજરાતી એવા સીઆર પાટીલને પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે. અત્યારસુધી પક્ષમાં આ પદ પાટીદાર કે ક્ષત્રિય સહિતનાને સોંપવાની પરંપરા હતી, જેને પહેલીવાર તોડવામાં આવી છે.
૨૦૧૭માં થયેલી વિધાનસભા ચૂંટણી બાદ કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા એકલ-દોકલ નેતાઓને મંત્રી બનાવવા સિવાય કેબિનેટમાં મોટા ફેરફાર નથી થયા. તેવામાં આ વખતે સરકાર આગામી સમયમાં આવી રહેલી આઠ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી તેમજ કોર્પોરેશન અને પંચાયતની ચૂંટણીઓને પણ ધ્યાનમાં રાખીને કેબિનેટમાં વિસ્તરણ કરવામાં આવે તેવી શક્યતા છે.
સરકારના મંત્રીમંડળના હાલના મંત્રીઓ વાસણ આહિર અને વિભાવરી બહેનને બહાર કરવાની વાત જોરશોરથી ચાલી રહી છે તો જીતુ વાઘાણીને મંત્રી બનાવવા અથવા તો રાષ્ટ્રીય સંગઠનમાં મહત્ત્વનું પદ આપવાની અટકળ તેજ બની છે. આ ઉપરાંત કોંગ્રેસમાંથી આવેલ બ્રિજેશ મેરજા તથા દંડક પંકજ દેસાઈ વગેરેને મંત્રીપદ આપવાની પણ અટકળો ચાલી રહી છે ગમે તેમ પણ ગાંધીનગરમાં મંત્રી નિવાસમાં તથા સ્વર્ણિમ સંકુલ-રની મંત્રીઓની ઓફિસોમાં બે દિવસી શરૂ થયેલ સાફ-સફાઈને લીધે વિસ્તરણની વાતને બળ મળે છે. એક તરફ કોંગ્રેસે હાર્દિક પટેલને સંગઠનમાં મહત્વનું પદ સોંપી પાટીદારોને રિઝવવાનો પ્રયાસ કર્યો છે, ત્યારે હવે કેબિનેટમાં ફેરફાર કરી ભાજપ જ્ઞાતિનું સમિકરણ કઈ રીતે બેસાડે છે તે જોવાનું રહેશે.