જૂનાગઢ, તા.૨૧
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા જૂનાગઢ સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડથી જૂનાગઢ શહેર માટે રૂ.૩૧૯.૪૮ કરોડની ભૂગર્ભ ગટર યોજના અને સાસણ ગીર દેવળિયા ખાતે રૂ.૩૨ કરોડના પ્રવાસી સુવિધાના વિકાસકામોનું ઇ-ખાતમુહૂર્ત કરાયુ હતું. આ પ્રસંગે તેમણે વધુમાં કહ્યુ કે, અગાઉની સરકારમાં યોજના અને વિકાસના નામે નાટકો થતા હતા. જ્યારે અમારી સરકાર સમય મર્યાદામાં યોજનાની આખી પ્રક્રિયા પૂરી કરે છે.
જૂનાગઢમાં ઓવરબ્રીજ માટે અગાઉ રૂ.૩૨ કરોડ મંજુર કરવામાં આવ્યા છે અને વધુ રૂા.૮૮ કરોડ આપવાની મુખ્યમંત્રીશ્રીએ જાહેરાત કરી હતી. આ નાણા થકી બસ સ્ટેશન અને જોષીપુરાને આવરી લેતા બે આધુનિક ઓવરબ્રીજ બનશે જેથી જૂનાગઢવાસીઓને ટ્રાફીકની સસ્યામાંથી છુટકારો મળશે. ઉપરાંત જૂનાગઢ ફાટક મુક્ત બને તેવું પણ આયોજન થઇ રહ્યુ છે.
આ તકે મુખ્યમંત્રીએ કહ્યુ કે, ગીરનારની ગોદમાં સ્થિત ઇન્દ્રેશ્વર લાયન સફારી પાર્ક શરૂ કરાશે. આ માટે વન વિભાગને સૂચનાઓ આપી દેવામાં આવી છે. જૂનાગઢ ટુરીસ્ટ હબ બનતા આર્થિક વિકાસ થશે. રસ્તા સ્વચ્છતા સહિતની સુંદર વ્યવસ્થાથી દેશ-વિદેશના પ્રવાસીઓ પ્રભાવિત થશે અને જૂનાગઢની યાદગીરી અવીસ્મરણીય બનશે. પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડાએ જણાવેલ કે, જૂનાગઢ પ્રવાસનનું હબ છે. અહીં ગુજરાતમાં સૌ પ્રથમ બહાઉદ્દીન કોલેજ, નરસિહ મહેતાનો ચોરો અને સરકીટ હાઉસ પાસેની પાણીની ઉંચી ટાંકી થ્રી ડાઇમેન્શન લાઇટથી જળહળતી કરાશે. સાસણમાં ૩૨ કરોડના જે કામ થવાના છે તેનાથી સાસણની કાયાપલટ થશે. સાથે સાથે થ્રી જનરેશનને ધ્યાને લઇ સમગ્ર કુટુંબ પ્રવાસન સ્થળોને માણી શકે તેવી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી રહી છે. કાર્યક્રમના પ્રારંભે જૂનાગઢના મેયર ધીરૂભાઇ ગોહેલે સ્વાગત પ્રવચન કરવા સાથે જૂનાગઢ શહેરની વિકાસયાત્રાની વિગતો આપી હતી.
આ પ્રસંગે અન્ન નાગરીક પુરવઠા મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયા, સાંસદ રાજેશભાઇ ચુડાસમા, ધારાસભ્ય ભીખાભાઇ જોષી, ડેપ્યુટી મેયર હિમાંશુ પંડ્યા, સ્ટેન્ડીંગ ચેરમેન રાકેશ ધુલેશીયા, શહેર ભાજપ પ્રમુખ પુનીત શર્મા, કલેક્ટર ડૉ.સૌરભ પારઘી, પાણી પુરવઠા બોર્ડના ચીફ એન્જીનીઅર, અગ્રણી નટુભાઇ પટોળીયા, શૈલેષભાઇ પંડ્યા, સહિત અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આભાર વિધી મ્યુ.કમિશનર તુષાર સુમેરાએ કરી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં હસ્તે જૂનાગઢ શહેર અને સાસણ ગીરમાં વિકાસ કાર્યોનું ઈ-ખાતમુહૂર્ત કરાયું

Recent Comments