(એજન્સી) તા.૧૦
જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ તરીકે પદભાર સંભાળતાંની સાથે જ મનોજ સિન્હાએ કહ્યું હતું કે આતંકવાદને ડામવા માટે જમ્મુ-કાશ્મીર તંત્ર સ્થાનિકો સાથે સીધો સંવાદ સાધશે. તેમણે કહ્યું કે બાકી મુદ્દાઓ જેવા કે ભ્રષ્ટાચાર વિરૂદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ, ગત વર્ષે જાહેર કરવામાં આવેલી વિકાસની પહેલને આગળ લઈ જવા પણ અમારી પ્રાથમિકતામાં છે. તદઉપરાંત સિન્હાની ટિપ્પણી પર જમ્મુ-કાશ્મીરના મુખ્ય સચિવ બીવીઆર સુબ્રમણ્યમે કહ્યું કે જમ્મુ-કાશ્મીર હવે વિભાજિત રાજ્ય બની ગયું છે. ત્યાં હાલમાં કોઈ સિસ્ટમ જ નથી. તેણે વર્ષો સુધી મુખ્યધારાના રાજકીય પક્ષો તથા અલગતાવાદી સંગઠનોને લીધે કુશાસન, ભ્રષ્ટાચાર અને અવિશ્સનીય ફ્રોડ જેવી સમસ્યાઓનો સામનો કર્યો છે. ૧૯૮૭ની બેચના આઈએએસ અધિકારી સુબ્રમણ્યમે વધુમાં કહ્યું હતું કે એક પણ વ્યક્તિ એવી નહોતી કે જેણે ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં જ્યારે કેન્દ્ર સરકાર અનપેક્ષિત રીતે તમામ રાજકીય નેતાઓ અને અલગતાવાદી નેતાઓને અટકાયતમાં લઈ લેવાયા ત્યારે વિરોધ કર્યો હોય. કલમ ૩૭૦ હટાવીને રાજ્યનો વિશેષ દરજ્જો જ્યારે છીનવી લેવાયો ત્યારે મોટાપાયે રાજ્યમાં સૈન્ય ખડકલો ખડકી દેવાયો. રાજ્યને બે ભાગમાં વિભાજિત કરી દીધું અને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દીધો. લોકો આશા રાખીને બેઠા છે કે હવે મોટું પરિવર્તન આવશે પણ તેમને કંઈ જ મળ્યું નથી. જોકે સુબ્રમણ્યમની આ ટિપ્પણી રાજનેતાઓેને રાશ નહોતી આવી અને તેમણે તરત જ સુબ્રમણ્યમ વિરોધી ટિપ્પણીઓ કરી નાખી હતી. રાજનેતાઓએ સુબ્રમણ્યમને સલાહ આપી દીધી કે તેઓ પોતાની કામગીરી પર ધ્યાન આપે અને રાજકારણમાં પડવાનું બંધ કરે. જમ્મુ-કાશ્મીર પીપલ્સ કોન્ફરન્સના નેતા ઈમરાન રઝા અન્સારીએ ટિ્‌વટ કરીને કહ્યું કે મુખ્ય સચિવ સાહેબ, તમને બે વર્ષ પૂરાં થઈ ગયાં છે. તમે બોસ બની ગયા છો. આશા છે કે તમે તમારી જોબ પર ધ્યાન આપશો.