(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૧
ગુજરાત સરકારમાં નાણાં અને ગૃહ વિભાગ અત્યંત મહત્વના અને સર્વોચ્ચ મનાય છે આ બંને વિભાગોના મુખ્ય અધિકારીનું પદ સિનિયર આઈએએસ અધિકારીને મળતું હોય છે અને તેમાંથી જ મોટા ભાગે રાજયના મુખ્ય સચિવ બનતા હોઈ આ મહત્વના પદ માટે ઉચ્ચ અધિકારીઓમાં હોડ જામતી હોય છે આ વખતે ગૃહ વિભાગના મુખ્ય પદ પરથી સંગીતાસિંઘ ઓકટોબરમાં નિવૃત્ત થઈ રહ્યા હોઈ આ પદ મેળવવા બે એસીએસ રાજીવ ગુપ્તા અને પંકજકુમાર વચ્ચે હરીફાઈ જામી હોવાની વિગતો સુત્રો પાસેથી મળી રહી છે. ગુજરાતમાં સામાન્ય રીતે મુખ્યસચિવની પસંદગી નાણાં અને ગૃહ વિભાગના હેડમાંથી કરવામાં આવતી હોય છે. તેથી આ બન્ને વિભાગો સિનિયર ૈંછજી ઓફિસરો માટે મહત્ત્વના બની જાય છે. સરકારના વહીવટી તંત્રના આ સર્વોચ્ચ પદ માટે જો ગુજરાત કેડરના કોઇ ઓફિસર ડેપ્યુટેશનથી પરત નહીં આવે તો ગુજરાત સરકારમાં ફરજ બજાવતાં સિનિયર એવાં બે ઓફિસરો મજબૂત દાવેદારી કરી શકે છે. આમ,ઓક્ટોબરમાં ખાલી થનારા ગૃહ વિભાગના અધિક મુખ્યસચિવના પદ પર હાલના વન અને પયર્વિરણ વિભાગના અધિક મુખ્યસચિવ રાજીવકુમાર ગુપ્તા દાવેદાર છે. તેમની જેમ જ મહેસૂલ વિભાગના અધિક મુખ્યસચિવ પંકજકુમાર પણ એટલા જ દાવેદાર છે. ચીફ સેક્રેટરીના પદ માટે આ બન્ને ઓફિસરો વચ્ચે ફરીથી હોડ જામી છે. નાણાં વિભાગમાં તો હાલ પંકજ જોષી અધિક મુખ્યસચિવ પદે કાર્યરત છે, પરંતુ તેમના કરતાં સિનિયર આઇએએસ અધિકારી એવા પંકજકુમાર અને રાજીવકુમાર ગુપ્તાની નજરમાં ગૃહ વિભાગનું સર્વોચ્ચ પદ છે. આ વિભાગમાં હાલ સંગીતાસિંઘ ફરજ બજાવી રહ્યાં છે, પરંતુ તેઓ ઓક્ટોબર ૨૦૨૦માં વયનિવૃત્ત થાય છે. તેથી આ પદ પર આ બન્ને ઓફિસરો દાવેદાર બન્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના મુખ્યસચિવ અનિલ મુકીમ ગયા ઓગસ્ટ મહિનામાં વયનિવૃત્ત થવાના હતા પરંતુ તે પહેલાં જ તેમને છ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. તેઓ આ પદ પર ફેબ્રુઆરી ૨૦૨૧ સુધી કાર્યરત છે, તેથી તેમના અનુગામીની પસંદગી તેમની વયનિવૃત્તિના આખરી મહિનાના અંતમાં કરવામાં આવશે.
સચિવાલયના સૂત્રોના જણાવ્યા મુજબ દિલ્હીથી બીજા કોઇ ઓફિસર ગુજરાતમાં આવીને મુખ્યસચિવ બનવાની પણ શક્યતા છે. જો પંકજકુમાર અને રાજીવકુમાર ગુપ્તાને સાઇડ લાઈન કરવાના થાય તો દિલ્હી ડેપ્યુટેશન પર ગયેલા ગુરૂપ્રસાદ મહાપાત્ર માટે પણ ઊજળી તક રહેલી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૧ ઓક્ટોબરના રોજ ગુજરાત આવી રહ્યાં છે. તેઓ અમદાવાદના રિવરફ્રન્ટથી કેવડિયા સી-પ્લેન મારફતે જવાના છે. આ સમયે તેમની સાથે વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્યસચિવ રાજીવકુમાર ગુપ્તા રહેવાના છે. તેથી ત્યાં સુધી સંગીતાસિંઘની જગ્યા ભરાશે નહીં પરંતુ કોઇ અધિકારીને વધારાનો હવાલો ન અપાય તો નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં આ પદ પર રાજીવકુમાર ગુપ્તા કે પંકજકુમારની પસંદગી થાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે. એવું પણ થઈ શકે કે, રાજીવકુમાર ગુપ્તાને ગૃહનો હવાલો આપવામાં આવે અને પંકજકુમારને નાણાવિભાગ સોંપવામાં આવે.